મુખ્ય સામગ્રી પર જાઓ

હાથીપગા રોગને હરાવવા મોટું અભિયાન. રાજપીપલામાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ

નર્મદા જિલ્લાને હાથીપગા મુક્ત બનાવવા મોટું અભિયાન. રાજપીપલા વિદ્યાલયમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. 283 ગામોની 3.37 લાખ વસ્તીને આવરી લેવા 487 ટીમો ઘરે-ઘરે ડી.ઈ.સી. + આલ્બેન્ડાઝોલ ગોળીઓ ગળાવશે. 12 ફેબ્રુઆરી સુધી ચાલશે અભિયાન! વાંચો વિગતો.

હાથીપગા રોગને હરાવવા મોટું અભિયાન. રાજપીપલામાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ

રાજપીપલા:  નર્મદા જિલ્લાના રાજપીપલા સ્થિત શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય ખાતે ‘હાથીપગા મુક્ત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન
દેશમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતાં ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી હાથીપગા (Lymphatic Filariasis) રોગના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન અને સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ “પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર”, એટલે કે રોગ થાય એ પહેલાં જ સાવચેતી રાખવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ડી.ઈ.સી. તથા આલ્બેન્ડાઝોલ ગોળીઓ ૩ વર્ષથી ૬૦ વર્ષ સુધીના તમામ નાગરિકોને આપવામાં આવી રહી છે, જે હાથીપગા રોગ સામે રસી જેવું સુરક્ષા કવચ પૂરું પાડે છે. આ સમગ્ર અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલું સરાહનીય અને જનહિતકારી કાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની કૃપાબેન વસાવાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોશ્રીઓ દ્વારા હાથીપગા અભિયાન અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પોતે ગોળી ગળી હતી તથા પોતાના પરિવારજનો તેમજ આજુબાજુના નાગરિકોને પણ ગોળી ગળવા માટે વિનંતી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના નાંદોદ અને ડેડિયાપાડા તાલુકાઓમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બંને તાલુકાના કુલ ૨૮૩ ગામોની અંદાજે ૩,૩૭,૦૦૦ વસ્તીને આવરી લેવા માટે આરોગ્ય વિભાગની ૪૮૭ ટીમો સતત કાર્યરત છે. આરોગ્ય ટીમો ઘરે-ઘરે જઈને દવાઓ ગળાવશે. જેનો મુખ્ય હેતુ આવતા વર્ષ સુધીમાં નર્મદા જિલ્લાને સંપૂર્ણપણે “ફાઈલેરિયા મુક્ત (હાથીપગા મુક્ત)” બનાવવાનો છે. આ અભિયાન તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે, જેમાં કાર્યકરો અને દવા વિતરકો દ્વારા ઘરે-ઘરે જઈને હાથીપગાથી બચાવની ડી.ઈ.સી. તથા આલ્બેન્ડાઝોલ ગોળીઓ ગળાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. ધનંજય વલવી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે.સુમન, અર્બન પીએચસી મેડિકલ ઓફિસર ડૉ. પરિંદ વસાવા, શાળાના આચાર્યશ્રી યોગેશભાઈ વસાવા, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, શાળાના શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સંબંધિત સમાચાર