રાજપીપલા: નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કુલ, તિલકવાડા ખાતે કાયદાઓ અને
મહિલાલક્ષી યોજનાઓ અંગે સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તિલકવાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ સાથે સંવાદ યોજાયો હતો, જેમાં સાયબર
ક્રાઇમ, સ્વ-રક્ષણ અને મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને સશક્તિકરણ સંબંધિત માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઉતીર્ણ થયેલ દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત, તિલકવાડા તાલુકામાં ગત વર્ષે બોર્ડ પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨માં ૮૦ ટકા કરતાં વધુ ગુણ મેળવનાર કુલ ૪૦ દીકરીઓને એજ્યુકેશન કીટ (સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, જ્યોમેટ્રી કંપાસ, બોલ પેન, ચોપડા, ડ્રોઇંગ કીટ, કેલેન્ડર,મગ) આપવામાં આવ્યું હતું. સાથે-સાથે અન્ય ૮ સારા ગુણ પ્રાપ્ત કરનાર દીકરીઓને પણ કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, તિલકવાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ, મહિલા સહાયતા કેન્દ્ર રાજપીપળા, સખી વન સ્ટોપ સેન્ટર તથા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


