CBSE એ વિદ્યાર્થીઓ માટે 'સાઈકો-સોશિયલ' સપોર્ટ સીસ્ટમ લોન્ચ કરી: પરીક્ષા પહેલા તણાવમુક્ત થવાની મોટી તક
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને પરીક્ષાના ડરને ધ્યાનમાં રાખીને એક પ્રશંસનીય પગલું ભર્યું છે. આગામી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થનારી ધોરણ ૧૦ અને ૧૨ ની થીયરી પરીક્ષાઓ પૂર્વે બોર્ડે ૦૬ જાન્યુઆરીથી તેના વાર્ષિક 'સાયકો-સોશિયલ કાઉન્સેલિંગ' સેવાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી દીધી છે. આ સેવા ૧ જૂન ૨૦૨૬ સુધી સતત કાર્યરત રહેશે.
૨૪ કલાક હેલ્પલાઇન અને ટોલ-ફ્રી સેવા
વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ સમયે તણાવ કે મુંઝવણના ઉકેલ માટે ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૮૦૦૪ પર સંપર્ક કરી શકે છે. બોર્ડ દ્વારા 'ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ' (IVRS) મારફતે હિન્દી અને અંગ્રેજીમાં ૨૪ કલાક માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સુવિધામાં પરીક્ષાની તૈયારી, સમયનું આયોજન (Time Management) અને સ્ટ્રેસ દૂર કરવાની ટિપ્સનો સમાવેશ થાય છે.
૭૩ નિષ્ણાતોની પેનલ: વિદેશમાં બેઠા પણ મળશે માર્ગદર્શન
વિદ્યાર્થીઓની સમસ્યાઓના ઉકેલ માટે CBSE એ ૭૩ સભ્યોની એક વિશેષ પેનલ તૈયાર કરી છે, જેમાં પ્રિન્સિપાલ, પ્રોફેશનલ કાઉન્સેલર્સ, સ્પેશિયલ એજ્યુકેટર્સ અને સાયકોલોજિસ્ટનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, આ પેનલમાં ૬૧ સભ્યો ભારતના છે, જ્યારે ૧૨ નિષ્ણાતો નેપાળ, જાપાન, કતાર, ઓમાન અને યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં સ્થિત છે, જે વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થશે.
વેબસાઈટ પર ડિજિટલ રિસોર્સિસની સુવિધા: શું મળશે?
ટેલિ-કાઉન્સેલિંગ ઉપરાંત, CBSE ની સત્તાવાર વેબસાઈટ પર પણ વિદ્યાર્થીઓ માટે વિશેષ સામગ્રી અપલોડ કરવામાં આવી છે. જેમાં: અસરકારક વાંચન પદ્ધતિઓ (Study Strategies) તણાવમુક્ત પરીક્ષા માટેના નુસખા ભાવનાત્મક સુખાકારી માટેના વીડિયો અને આર્ટિકલ્સ આ સામગ્રી ખૂબ જ સરળ અને આકર્ષક રીતે તૈયાર કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ તેને ઝડપથી સમજી શકે.
પરીક્ષા એ જીંદગીનો અંત નથી, એક પડકાર છે
CBSE ની આ પહેલ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને માનસિક દબાણ ઘટાડવા માટે અત્યંત જરૂરી છે. વાલીઓએ પણ પોતાના બાળકો પર વધુ પડતું દબાણ લાવ્યા વગર તેમને આ પ્રકારની સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ. 'અમદાવાદ એક્સપ્રેસ' તમામ વિદ્યાર્થીઓને આગામી બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવે છે.


