ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેમની એક્સ-વાઇફ ધનશ્રી વર્મા (Dhanashree Verma) ના છૂટાછેડા (Divorce) પછી પણ વિવાદો શમવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં, ધનશ્રી વર્માએ એક રિયાલિટી શો (Reality Show) માં ઈશારાઓમાં એવો આક્ષેપ કર્યો હતો કે લગ્નના માત્ર બે મહિનામાં જ ચહલે દગો (Cheating) આપ્યો હતો. જોકે, આ ગંભીર આરોપો પર હવે યુઝવેન્દ્ર ચહલે મૌન તોડ્યું છે અને તમામ દાવાઓને સદંતર ખોટા ગણાવ્યા છે. હિન્દુસ્તાન ટાઇમ્સ (Hindustan Times) સાથેની વાતચીતમાં ચહલે આ પ્રકરણને ભૂતકાળ ગણાવીને આગળ વધવાની વાત કહી છે.
શું છે ધનશ્રીનો આક્ષેપ અને ચહલનો જવાબ?
કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા હાલમાં એક લોકપ્રિય રિયાલિટી શોમાં ભાગ લઈ રહી છે. શો દરમિયાન વાતચીતમાં, તેમણે કહ્યું હતું કે તેમને બે મહિનામાં જ દગો મળ્યો હતો, જોકે, તેમણે કોઈનું નામ લીધું ન હતું. સોશિયલ મીડિયા પર ચાહકોએ તરત જ આ વાતને યુઝવેન્દ્ર ચહલ સાથે જોડી દીધી.
આ બાબત પર સ્પષ્ટતા કરતા ચહલે તીખો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "હું એક એથ્લીટ છું, ચીટિંગ નથી કરતો. જો મેં બે મહિનામાં જ દગો કર્યો હોત, તો શું અમારો સંબંધ આટલો લાંબો ચાલી શક્યો હોત? મારા માટે એ ચેપ્ટર (Chapter) ખતમ થઈ ચૂક્યું છે અને દરેક વ્યક્તિએ હવે એમાંથી બહાર નીકળીને આગળ વધવું જોઈએ."
"તેમનું ઘર મારા નામથી ચાલે છે"
પોતાના પર લાગેલા આક્ષેપોને સદંતર જૂઠા ગણાવતા ચહલે વધુમાં જણાવ્યું હતું કે, "અમારા લગ્ન સાડા ચાર વર્ષ સુધી ચાલ્યા. જો બે મહિનામાં જ દગો મળ્યો હોત, તો કોણ એ સંબંધમાં રહે? હું તો ભૂતકાળને ભૂલી ગયો છું, પરંતુ અમુક લોકો હજી પણ ત્યાં જ અટવાયેલા છે."
ચહલે આ વાત પર ભાર મૂક્યો કે કેટલાક લોકો ઈરાદાપૂર્વક તેમનું નામ ઘસડી રહ્યા છે. તેમણે કહ્યું, "તેમનું ઘર મારા નામથી ચાલી રહ્યું છે, એટલે જ તેઓ વારંવાર મારું નામ વચ્ચે લાવતા રહે છે. મને તેની કોઈ ચિંતા નથી અને કોઈ ફરક પણ પડતો નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પર ભલે ગમે તેટલી વાતો થતી હોય, પરંતુ સચ્ચાઈ એક જ છે કે આ મામલો તેમના માટે પૂર્ણ થઈ ચૂક્યો છે અને તે હવે આ વિશે કોઈ વાત કરવા માંગતા નથી.
સંબંધો અને છૂટાછેડાની ટાઇમલાઇન
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન ડિસેમ્બર 2020 માં થયા હતા. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતું હતું અને તેમની જોડી ચાહકોમાં ઘણી પ્રિય હતી. જોકે, લગભગ ચાર વર્ષ પછી, ફેબ્રુઆરી 2024 માં તેમણે છૂટાછેડા (Divorce) માટે અરજી દાખલ કરી હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા પછી, આખરે માર્ચ 2025 માં કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, છૂટાછેડા દરમિયાન ધનશ્રી વર્માને ₹4.75 કરોડ રૂપિયાની એલિમેની (Alimony) મળી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. ક્રિકેટર તરીકે ચહલ ભારત માટે લાંબા સમયથી રમી રહ્યા છે, જ્યારે ધનશ્રી એક જાણીતા ડાન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે.


