આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ નવ લોકોને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. જેથી આમ આદમી પાર્ટીએ આજે આ સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં “સપોર્ટ માર્ચ” પદયાત્રાનું આયોજન કર્યું હતું. અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલયથી ઇન્કમટેક્સ સર્કલ સુધી આમ આદમી પાર્ટી દ્વારા આ સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર કરન બારોટ, આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા, વિદ્યાર્થી પાંખ ASAPના અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલ, માલધારી સેલ પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ, મહિલા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ નેહા કેવલરામાણી, મહિલા મોરચા પ્રદેશ સંગઠન મંત્રી કાશ્મીરા મહેતા, યુવા મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ હાર્દિક ખોખર, યુવા મોરચા પ્રદેશ પ્રદેશ સંગઠન મંત્રી જુબેર શેખ, અમદાવાદ પશ્ચિમ લોકસભા પ્રભારી વિપુલ પટેલ, આમ આદમી પાર્ટીના આગેવાનનો રાજેશ દીક્ષિત, મુકેશ ચૌહાણ, દીપક દેસાઈ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા.
આદિવાસી સમાજ માટે લડત લડનારા, જળ, જંગલ જમીનની રક્ષા કરવા માટે લડત લડનારા તથા ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્રના ભાગરૂપે કાયદાનો દુરુપયોગ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારથી ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડાથી ચૂંટણી જીત્યા છે, ત્યારથી જ ભાજપે તેમને ડરાવવા-ધમકાવવાની અને લોભ લાલચ આપવાની અનેક કોશિશો કરી પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સામે ઝૂક્યા નથી. જેના કારણે ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરીને વારંવાર ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ કરી ચૂકી છે અને ચૈતર વસાવાને અનેક વાર જેલમાં મોકલવામાં આવ્યા છે. ભાજપ સરકાર ષડયંત્ર રચીને ચૈતર વસાવાને ધારાસભ્ય પરથી દૂર કરવા માંગતી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે ચૈતર વસાવા સડકથી લઈને વિધાનસભા સુધી આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવે છે અને ભાજપનો અસલી ચહેરો લોકો સમક્ષ લાવે છે, જેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપની આંખમાં કણાની જેમ ખૂંજતા હતા. ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ પર વર્ષોથી કેસો ચાલી રહ્યા છે પરંતુ તેમને સજા કરવામાં આવતી નથી, ભૂમાફિયાઓ, ભ્રષ્ટાચારીઓ, ખરાબ રોડ - બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો, દારૂ-ડ્રગ્સ વેચનારા માફિયાઓ સહિત અનેક લોકો ખોટા કામ કરીને પણ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જ્યારે જનતાનો અવાજ ઉઠાવનાર ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા છે, તો ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાની લડત ચાલુ રાખશે.
આમ આદમી પાર્ટી ગુજરાત