શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે ૫૨ (બાવન) પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનાજકીટ વિતરણ શ્રી મહેશભાઈ સી. પાઠક (માનદમંત્રીશ્રી, અંધ ઉદ્યોગ શાળા), શ્રી હર્ષકાન્તભાઈ રાખશીયા (સહમંત્રી, અંધ ઉદ્યોગ શાળા), શ્રી લાભુભાઈ સોનાણી (પ્રમુખ), શ્રી હસમુખભાઈ ધોરડા (માનદમંત્રી), શ્રી અંકિતાબેન ચૌહાણ (કારોબારી સભ્યશ્રી), શ્રી હર્ષભાઈ એન. ધ્રાંગધરિયાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાનાં પ્રમુખ શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું હતું કે આગામી ૩૧ મે અને ૧ જુન ના રોજ દર વર્ષની જેમ મંડળનું ૬૫ મુ વાર્ષિક અધિવેશન નવજવાન સિંધી હોલ, ભાંગલી ગેઇટ પાસે, સિંધુનગર, ભાવનગર ખાતે મળશે. જેમાં દ્વિ દિવસીય અનેક કાર્યક્રમો યોજાશે. રાજ્યભરના ૧૦૦૦ થી વધુ નેત્રહીન ભાઈ-બહેનો ઉપસ્થિત રહી અનેક કાર્યક્રમો માણશે. મને આપ સર્વે ને જણાવતા આનંદ થાય કે છેલ્લા ૧૨૫ મહિનાથી અનાજકીટ આપવામાં આવે છે ત્યારે આજે અખાત્રીજના પાવન પ્રસંગે, આપણા ભાવનગરના જન્મદિવસ નિમિત્તે અને ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ પ્રસંગે ૧૨૬ મી અનાજકીટ વિતરણ માટે આપણા દાતા શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનભાઈ વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝા પરિવારનો અંતરથી આભાર માનું છું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળનાં મંત્રી શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ કારોબારી સભ્ય શ્રી અંકિતાબેન ચૌહાણે કરી હતી.


