અમદાવાદ / જૂનાગઢ / બોટાદ/ ગાંધીનગર | આમ આદમી પાર્ટી, પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ અને પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો ઘણા સમયથી રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે આ ભાજપની સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે બોટાદના પ્રવાસે જવાના છે અને મહત્વની વાત એ છે કે તેઓ ત્યાં ખેડૂતો સાથે સંવાદ કરવાના છે. હવે ગુજરાતના ખેડૂતો સમાધાન અને દુષ્કાળ જાહેર કરવાની વાત કરી રહ્યા છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ખેડૂતો સાથે સંવાદ કરશે? શું સંવાદ કરશો? એ સંવાદ કરશો કે બોટાદના હડદડ કાંડની અંદર તમારી સરકાર દ્વારા ઘણા બધા ખેડૂતોને ઢોર માર મારવામાં આવ્યો હતો? ૮૦થી વધારે જેટલા ખેડૂતો ઉપર ખોટી રીતે કલમ ૩૦૭ લગાવીને બધાને ૫૦ દિવસ અને કોઈકને ૧૦૦ દિવસ સુધી જેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. બોટાદના ખેડૂતોને પ્રતાડિત કરવામાં અને હેરાન કરવામાં તમે કંઈ બાકી નથી રાખ્યું, તો તમે કયા મોઢે બોટાદમાં વાત કરશો અને કયા મુદ્દે ખેડૂતો સાથે સંવાદ કરશો?
આ ઉપરાંત એમનો પછીનો કાર્યક્રમ 'ચાય પે ચર્ચા'નો છે. ગુજરાતના ખેડૂતો અત્યારે પાણી ઉપર ચર્ચા કરવા માંગે છે અને તમે 'ચાય પે ચર્ચા'માં લાગ્યા છો. આનો સીધો મતલબ એ થાય છે કે ભાજપ સરકારને દુષ્કાળ જાહેર કરવા મુદ્દે કે ખેડૂતોના પ્રશ્ને કોઈ પણ જાતની સંવેદના નથી. તેઓ માત્ર ને માત્ર ગાજવાનું કામ કરી રહ્યા છે અને સંવાદો કરીને ખેડૂતોને ભોળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બોટાદના ખેડૂતોને જે રીતે જેલમાં ગોંધી રાખીને પરેશાન કરવાનો પ્રયત્ન આ ભાજપ સરકાર દ્વારા થયો હતો, તેનો જવાબ બોટાદના ખેડૂતો આવનારા દિવસોની અંદર ચોક્કસથી ભાજપ સરકારને આપશે. આજે તમે જે સંવાદના નાટકો કરી રહ્યા છો એ તમામ નાટકો નિષ્ફળ જશે એવો મને પૂરો વિશ્વાસ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત