મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત

ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે  DDU-GKY અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો.

દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત

ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબમેળાને ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ખુલ્લો મૂક્યો હતો અને સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે DDU-GKY હેઠળ તાલીમ પ્રાપ્ત કરીને રોજગારી મેળવેલ ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે રોજગારી મેળવનાર તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના યુવાધનને રોજગારીની સમાન તક અને લઘુત્તમ વેતનની બાહેંધરી પૂરી પાડતી “દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના” આજે ગુજરાતના યુવાધન માટે આશીર્વાદ બની છે. લાભાર્થીઓને ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦ માસિક પગારની બાહેંધરી આપતી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ 30,000થી વધુ યુવક-યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ અને ૨૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશમાં “સ્કિલ ઈન્ડિયા” અને “મેક ઇન ઈન્ડિયા” જેવા અભિયાનોથી ગામડાંના યુવાનોને આત્મનિર્ભરતાની નવી દિશા મળી છે. તેમની જ પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ રાજ્યના યુવાધનને રોજગાર અને કૌશલ્યના નવા અવસર પ્રદાન કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે આજે ગુજરાતનો દરેક યુવાન ફક્ત નોકરી શોધક નહીં, પરંતુ નોકરીસર્જક બનવા માટે પણ સક્ષમ બન્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, તેમની વિચારધારા અને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજનાનો હેતુ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેઓ માનતા હતા કે, ગ્રામ્ય ભારતના યુવાનોને શિક્ષણ, કૌશલ્ય અને રોજગારની સમાન તક આપીને તેમને આત્મનિર્ભર બનાવવા, એ જ રાષ્ટ્ર વિકાસનો સાચો માર્ગ છે. આ વિચારને સાકાર કરવા અમલમાં મૂકાયેલી DDU-GKY યોજના આજે ગ્રામ્ય વિસ્તારના યુવાનોને માત્ર રોજગારી જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ, નવી આશા અને નવી દિશા આપી રહી છે. 

fashion

સંબંધિત સમાચાર

travel