(પ્રતિનિધિ ફરીદ્ખાન પઠાણ): ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિની સંયુક્ત વિદ્યુત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી રાજકીય કાર્યક્રમો, સંગઠનાત્મક આયોજન અને ગુજરાતમાં પાર્ટીની રણનીતિને મજબૂત કરવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ અગત્યની બેઠકમાં AICCના પ્રભારી તેમજ મહારાષ્ટ્રના સાંસદ શ્યામકુમાર બારવે અને ઉત્તર ઝોનના પ્રભારી શુભાશિની યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગાંધીનગર જિલ્લા અને શહેરના તમામ મુખ્ય હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
'વોટ બચાવો, લોકશાહી બચાવો' અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ
કારોબારી બેઠક બાદ કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 'વોટ બચાવો, લોકશાહી બચાવો' અભિયાન અંતર્ગત મતદારોના અધિકારો, મતદાર યાદીની પારદર્શિતા અને દેશની વર્તમાન ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ શાસક પક્ષ ભાજપ સામે લોકશાહી વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો.
"ચૂંટણી પંચને ભાજપ પોતાની રીતે ચલાવે છે" – શ્યામકુમાર બારવે
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસ સાંસદ શ્યામકુમાર બારવેએ ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી ચૂંટણી પંચને ભાજપ પોતાની કઠપૂતળીની જેમ ચલાવી રહ્યું છે. હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ બાદ રાહુલ ગાંધીએ જે 'વોટ ચોરી'નો મુદ્દો ઉઠાવ્યો હતો તે અત્યંત ગંભીર છે. ચૂંટણી આયુક્તની નિયુક્તિ પ્રક્રિયામાં ફેરફાર કરીને આ ખેલ શરૂ કરાયો હતો, જેથી તેમની સામે કોઈ ફરિયાદ પણ દાખલ ન થઈ શકે."
તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર પાસે ગેરકાયદેસર કામો કરાવવામાં આવી રહ્યા છે. ભાજપ ૧૪૦ બેઠકો પર ચૂંટણી લડે છે અને ૧૩૦ બેઠકો જીતી જાય છે, કારણ કે દરેક બેઠક પર ૩૫ થી ૪૦ હજાર બનાવટી વોટ વધારી દેવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં નવા મતદારો ક્યાંથી આવ્યા તે ચૂંટણી પંચે સ્પષ્ટ કરવું જોઈએ.
કામઠી વિધાનસભાનું ઉદાહરણ અને આગળની રણનીતિ
સાંસદ શ્યામકુમાર બારવેએ કામઠી વિધાનસભાનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં ૧.૫૦ લાખ મતદારોનું મેપિંગ જ થઈ શકતું નથી. સૌથી નવાઈની વાત એ છે કે જ્યારે ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવવામાં આવે છે ત્યારે જવાબ ચૂંટણી પંચને બદલે ભાજપ આપે છે.
કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે લોકશાહીના રક્ષણ અને મતદારોના અધિકારોની પુનઃસ્થાપના માટે આ 'વોટ બચાવો, લોકશાહી બચાવો' અભિયાનને સમગ્ર ગુજરાતમાં આક્રમક રીતે આગળ ધપાવવામાં આવશે.