અમદાવાદ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાએ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી સંદર્ભે ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આપણે બધા એ પણ જાણીએ છીએ કે જ્યાં ગુજરાતનું કેન્દ્ર છે, જ્યાંથી આખા ગુજરાતનો વહીવટ થાય છે, એવા ગાંધીનગર મહાનગરપાલિકામાં જ દિવડા તળે અંધારું રહ્યું છે. અહીંના લોકો સામાન્ય સુવિધાઓથી વંચિત છે અને જે રીતે ગાંધીનગરની અંદર આડેધડ બાંધકામો થઈ રહ્યા છે, તેનાથી ગાંધીનગરની જે સુંદરતા હતી, એ સુંદરતાને વેચવાનું કામ સત્તામાં બેઠેલા લોકોએ કર્યું છે. અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલું આ નાનું એવું મહાનગર આમ તો વિશ્વના ફલક ઉપર નામ ધરાવે છે, પણ વૈશ્વિક કક્ષાના શહેરની સુવિધાઓને બદલે ગાંધીનગરમાં હંમેશા ગાંધીનગરના નાગરિકો માટે અનેક પ્રશ્નો આપણી સામે આવીને ઊભા રહ્યા છે. ગાંધીનગરના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે આગળ ઉમેર્યું કે, ત્યારે આમ આદમી પાર્ટી, પાંચ વર્ષ પહેલાં પણ ગાંધીનગરને એક વિકલ્પ આપવા માટે ચૂંટણી લડી હતી. અને પહેલી જ વખત જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી ત્યારે ૨૧ ટકા જેટલા મતો સાથે આમ આદમી પાર્ટીના એક નગરસેવકને ગાંધીનગરની જનતાએ મોકો આપ્યો હતો. ગત વખતે ભારતીય જનતા પાર્ટી જે રીતે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં જનતાનું મેન્ડેડ લાવીને નહીં, પરંતુ જનતાના મેન્ડેડ પર ચૂંટાઈને આવેલા સભ્યોને ચોરીને, બેસાડીને અને એમને લલચાવીને પોતાની રાજનીતિ કરતી આવી છે, ત્યારે અમારા માટે ગર્વની વાત છે કે આમ આદમી પાર્ટીનો એકમાત્ર નગરસેવક ચૂંટાઈને આવ્યો હોવા છતાં ભારતીય જનતા પાર્ટી એને લાલચમાં લાવી શકી નથી, એને દબાવી શકી નથી કે એને ખરીદી શકી નથી. મજબૂત વિપક્ષની ભૂમિકામાં છેલ્લા પાંચ વર્ષની અંદર આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં પોતાની ફરજ બજાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એવા સમયમાં અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં, જ્યારે જનતા બદલાવ માગે છે અને આમ આદમી પાર્ટી મજબૂતીથી આ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે, આમ આદમી પાર્ટીએ આજે બધી જ પાર્ટીઓ પહેલાં શરૂઆત કરી છે.
મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, અમે અમારા ૨૩ ચૂંટણીના ઉમેદવારો આજની આ પ્રેસ વાર્તાથી ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીએ હંમેશા ગુજરાતની અંદર સામાન્ય માણસો માટે, યુવાનો માટે અને મહિલાઓ માટે એક પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું છે. જે લોકો મેઈનસ્ટ્રીમ રાજનીતિમાં નથી, એવા નાગરિકોને મેઈનસ્ટ્રીમ રાજનીતિમાં લાવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે અને ગુજરાતની અંદર આજે એક મજબૂત પાર્ટી તરીકે સામાન્ય લોકોની તથા ભણેલા-ગણેલા લોકોની પાર્ટી તરીકે ઊભી આવી છે. આજે પણ અમે આ જાહેર કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમ આદમી પાર્ટીએ યુવાનોને તક આપવાનું કામ કર્યું છે, જેમાં ડૉક્ટર્સ છે, વકીલો છે, MBA થયેલા અને સામાજિક કાર્યકરો પણ છે. આમ આદમી પાર્ટી – ગુજરાત દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદી મુજબ, વોર્ડ નં. ૧ માં બળદેવભાઈ પટેલ અને વિજયસિંહ આર. વાઘેલા ઉમેદવારી કરી રહ્યા છે. વોર્ડ નં. ૩માં શ્રેયા બકુલકુમાર મકવાણા, પિંકી રાજપૂત અને ભરતભાઈ જોશીને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વોર્ડ નં. ૫ માંથી પાર્વતીબેન નાગરભાઈ અને જીતેન્દ્ર ધરાવાડિયા ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નં. ૬ માંથી પાર્વતીબેન w/o ગોપાલ વસાવા, પટ્ટણી સોનાબેન મહેન્દ્રભાઈ (દેવીપૂજક), તુષાર પારેખ, મેલાભાઈ ભાલોડિયા, વોર્ડ નં. ૯ માંથી મનીષા પવિત્ર પરમાર, મેહુલકુમાર શંકરભાઈ શ્રીમાળી અને વિવેક શિવાભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. વોર્ડ નં. ૭ માંથી રાહુલ વાઘેલા અને સુરેશ પટેલ ઉમેદવાર તરીકે છે. વોર્ડ નં. ૮ માંથી દેવયાની રાઠોડ, ધર્મેશભાઈ ઠાકોર અને ગૌતમભાઈ પરમાર ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નં. ૧૦ માંથી પારેખ જય શૈલેષભાઈ (એન્જલ માસી) અને ડૉ. હાર્દિક વિ. તલાટી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ વોર્ડ નં. ૧૧ માંથી કૈલાશબેન પરમાર અને રાજેશ્વરીબેન સોલંકીની પસંદગી કરવામાં આવી છે.
’આપ' નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, કુલ આશરે 23 જેટલા ઉમેદવારો આજે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે. બાકીના ઉમેદવારોની સ્ક્રૂટિની પણ પાર્ટી કરી રહી છે. પાર્ટીની પરમિશનથી આજે આ ઉમેદવારો જાહેર કર્યા છે અને ટૂંક સમયમાં બાકીના ઉમેદવારો પણ જાહેર કરીશું. અમને વિશ્વાસ છે કે જે ગાંધીનગર બદલવું છે, ગાંધીનગરની અંદર સિવિક સર્વિસીસને લઈને ગાંધીનગરમાં રહેતા ભણેલા-ગણેલા અને શહેરી મહાનગરપાલિકાની અંદર જે અર્બન સુવિધાઓની આશા રાખીને બેઠા છે, એવા નાગરિકો માટે આમ આદમી પાર્ટી સંપૂર્ણ કટિબદ્ધ છે. ગઈકાલે અમે અમારો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. ગાંધીનગરને લઈને અમારો ચોક્કસ સંકલ્પ છે. ગાંધીનગરની અંદર જે કામો આમ આદમી પાર્ટી કરવા માગે છે અને વિશ્વકક્ષાનું શહેર બનાવવા માટેની અમારી જે નેમ છે, એના માટે અમે કટિબદ્ધ છીએ. આજથી જ આમ આદમી પાર્ટી તમામ તાકાત લગાવીને ગાંધીનગર સંપૂર્ણ વિકસિત બની રહે અને યુવાનો ગાંધીનગરનું શાસન સંભાળે એવી આશા રાખીએ છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત