અમદાવાદ / ગાંધીનગર | ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૧ માં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ (ASAP) ના નેતાઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રચાર ઝુંબેશમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના પ્રદેશ સંગઠન મહામંત્રી યાત્રિક પટેલ, અમદાવાદ શહેર સંગઠન મહામંત્રી જતીન પટેલ, પ્રદેશ મંત્રી તીર્થ શ્રીમાળી, પ્રદેશ સંગઠન મંત્રી હર્ષિલ પ્રજાપતિ તથા વોર્ડ નંબર ૧ ના ’આપ’ ઉમેદવાર અને પ્રદેશ ઉપપ્રમુખ તેજસ દેલવાડિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન રાંધેજા ગામ ખાતે ’આપ' વિદ્યાર્થી પાંખના પ્રદેશ સંગઠન મહામંત્રી યાત્રિક પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મનપા ચૂંટણીના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાંધેજા ગામના બસ સ્ટેન્ડ નજીક ઓપન ગટરની ગંભીર સમસ્યા જોવા મળી છે. છેલ્લા ૧૦ દિવસથી ગટરનું દૂષિત પાણી જાહેર માર્ગો પર વહી રહ્યું છે, છતાં ગાંધીનગર મહાનગરપાલિકાનું ભાજપ શાસિત તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તલભાર પણ તૈયાર નથી. જો આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં કોઈ ગંભીર બીમારીઓ કે રોગચાળો ફેલાશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપના નેતાઓ અને તંત્રની રહેશે.
યાત્રિક પટેલે ભાજપ અને કોંગ્રેસ પર તીખા પ્રહારો કરતા ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષથી ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના નેતાઓ વિકાસના મોટા-મોટા દાવાઓ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં આ વિકાસ સડી ગયો છે. વિકાસ માત્ર ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓનો થયો છે, જ્યારે સામાન્ય જનતા માટે કોઈ જ વિકાસ થયો નથી. ગામમાં રસ્તાઓ યોગ્ય નથી અને ખુલ્લી ગટરોથી રોગચાળાનો ભય હોવા છતાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. જનતાએ ભૂતકાળમાં ભાજપ અને કોંગ્રેસને વારંવાર તક આપીને જોઈ લીધું છે, જ્યાં ભાજપ કોઈ કામ કરતી નથી અને કોંગ્રેસના નેતાઓ વેચાઈ જાય છે. તેથી, વોર્ડ નંબર ૧ ના તમામ મતદારોને આહ્વાન કરવામાં આવે છે કે તેઓ આ વખતે પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવે. ’આપ’ ના ઉમેદવારો આગામી પાંચ વર્ષ સુધી સતત જનતાની વચ્ચે રહીને લોકપ્રશ્નો ઉકેલશે અને વિસ્તારમાં સાચો વિકાસ કરીને બતાવશે.
આમ આદમી પાર્ટી ગુજરાત