અમદાવાદ / ગાંધીનગર | આમ આદમી પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ પાયલ સાકરીયાએ મહિલા ઉપાધ્યક્ષ રચનાબેન હિરપરાની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનું પાટનગર ગણાતા ગાંધીનગરમાં પ્રવેશતાં જ મુખ્ય માર્ગો જોઈને વિકાસ થયો હોવાનો ભ્રમ ઊભો થાય છે, પરંતુ મુખ્ય રસ્તાઓ પરથી ઉતરીને સ્થાનિક રહેણાંક વિસ્તારોમાં જતાં જ વરવી વાસ્તવિકતા સામે આવે છે. આઝાદીના આટલા વર્ષોથી કોંગ્રેસ અને ત્યારબાદ ભાજપનું શાસન છતાં જર્જરિત રસ્તાઓ, પીવાના ચોખ્ખા પાણીની અછત અને ગટરની યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે. જ્યાં મોટા નેતાઓ, સચિવો અને ઉચ્ચ અધિકારીઓ રહે છે, તેવા પાટનગરમાં સામાન્ય નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કોઈ યોગ્ય સિસ્ટમ જ નથી. ગાંધીનગરમાં છેલ્લા ૪૦-૪૫ વર્ષોથી પરાંઓમાં વસતા ગરીબ પરિવારના લોકો લાઈટ, પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ વિના અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. શાસકોનો આ 'વિકાસ' સામાન્ય જનતા માટે નથી, પરંતુ માત્ર નેતાઓ માટેનું ગિફ્ટ સિટી બનીને રહી ગયું છે.
બીજી તરફ, ગાંધીનગરમાં રાજ્યનું વહીવટીતંત્ર ચલાવવા દિવસ-રાત મહેનત કરતો અધિકારી અને કર્મચારી વર્ગ પણ નેતાઓના રાજકીય દબાણ હેઠળ માનસિક તણાવમાં કામ કરવા મજબૂર બન્યો છે. ગુજરાતના વિવિધ ખૂણેથી કે બહારથી આવતા સરકારી કર્મચારીઓને ક્વાર્ટર ફાળવણી માટે વર્ષો સુધી વેટિંગમાં રહેવું પડે છે અને લાંબા સમય પછી જે ક્વાર્ટર મળે છે તે પણ જર્જરિત અને ખંડેર હાલતમાં હોય છે. આ દર્શાવે છે કે આટલા વર્ષોમાં વિકાસ માત્ર ભાજપના નેતાઓ, તેમના મળતિયાઓ અને ઉચ્ચ ઉદ્યોગપતિઓનો જ થયો છે, જ્યારે ગરીબ, સામાન્ય માણસ અને કર્મચારીઓની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ મિલીભગતથી સરકાર ચલાવીને જનતાને છેતરી છે. આમ આદમી પાર્ટી સામાન્ય નાગરિકોથી લઈને અધિકારીઓના પ્રાથમિક પ્રશ્નો અને સમસ્યાઓનું નિવારણ કરવા માટે કટિબદ્ધ છે. આગામી ૧૧મી તારીખે યોજાનારી ચૂંટણીમાં ભ્રષ્ટ વ્યવસ્થાની સફાઈ કરવા માટે ગાંધીનગરની તમામ જનતા, કર્મચારીઓ અને અધિકારીઓને પરિવર્તન લાવવા 'ઝાડૂ'ના નિશાન પર મતદાન કરવા અપીલ કરવામાં આવે છે.
આમ આદમી પાર્ટી ગુજરાત