મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગરમાં પાંચ દિવસીય રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ સંપન્ન

ગાંધીનગર સ્થિત IITE ખાતે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ, CoE-LAM DISRA અને ASCI હૈદરાબાદના સંયુક્ત ઉપક્રમે "જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી" વિષય પર પાંચ દિવસીય રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ કાનૂની ચોકસાઈ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વહીવટી વિલંબ ઘટાડવા પર ભાર મૂક્યો હતો.

ગાંધીનગરમાં પાંચ દિવસીય રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ સંપન્ન

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ - લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ - ડાયરેક્ટોરેટ ઓફ ઈન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ રિફોર્મ્સ ઈન એડમિનિસ્ટ્રેશન (CoE-LAM DISRA) તથા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયા (ASCI), હૈદરાબાદના સહયોગથી ગાંધીનગર સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ખાતે "જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી" વિષય પર પાંચ દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ તાલીમ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયામાં ચોકસાઈ અને કાનૂની જોગવાઈઓનું ચુસ્ત પાલન ખૂબ જ અનિવાર્ય છે. આ પ્રકારની સજ્જતાથી વહીવટી વિલંબને ઘટાડી શકાશે, ખર્ચાળ કાનૂની વિવાદો નાબૂદ થશે અને અસરગ્રસ્ત નાગરિકો માટે ન્યાયી પુનર્વસન સુનિશ્ચિત કરી શકાશે. તેમણે ઉમેર્યું કે, આ સકારાત્મક પગલાંઓ અંતે સમગ્ર રાજ્યમાં અવિરત માળખાકીય વિકાસનો માર્ગ મોકળો કરશે.

 

આ પ્રસંગે મહેસૂલ વિભાગ દ્વારા ક્ષમતા નિર્માણ અને સતત વ્યાવસાયિક વિકાસ માટે એક ટકાઉ માળખું ઊભું કરવાના આશયથી ASCI અને IITE સાથે બે ઐતિહાસિક MoU કરવામાં આવ્યા હતા.

 

આ તાલીમ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા કાનૂની માળખા અને પ્રાયોગિક ક્ષેત્રના અમલીકરણ વચ્ચે સેતુ બાંધતા વિવિધ મહત્વના વિષયો આવરી લેવામાં આવ્યા હતા. જેમાં, RFCTLARR એક્ટ-૨૦૧૩ હેઠળ પ્રક્રિયાગત અનુપાલન અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટનું વ્યાપક આયોજન, પ્રભાવિત પક્ષો માટે એન્ટાઇટલમેન્ટ મેટ્રિક્સ અને માઇક્રો-પ્લાન તૈયાર કરવા માટે હેન્ડસ ઓન પ્રેક્ટિસ અને ગ્રુપ એક્સરસાઇઝ, જમીન સંપાદન પ્રક્રિયાના વધુ સચોટ આયોજન માટે સેટેલાઇટ આધારિત જીઓસ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ તથા જમીનની બજાર કિંમત નિર્ધારણમાં નિપુણતા મેળવવી અને વળતર એવોર્ડ તૈયાર કરવામાં થતી સામાન્ય ભૂલોને નિવારવી જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

 

આ વિશેષ તાલીમ કાર્યક્રમમાં ASCI તરફથી પ્રોફેસર અને કોર્સ ડાયરેક્ટર ડૉ. રેશ્મી નાયર, નિવૃત IFS શ્રી ચિરંજીવ ચૌધરી અને LARR ઓથોરીટીના પ્રિસાઇડીંગ ઓફિસર શ્રી અજીત સિંહા રાવે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આ કાર્યક્રમમાં જમીન સંપાદનની કામગીરી સાથે સીધા સંકળાયેલા મહેસૂલ વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાંથી પસંદ કરાયેલા કુલ ૩૪ જેટલા અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો હતો.

 

આ પ્રસંગે IITE ના કુલપતિ ડૉ. મુકેશ પટેલ, NHAI ગુજરાતના રીઝનલ ઓફિસર શ્રી પ્રદીપ અત્રી તથા IITE ના રજિસ્ટ્રાર ડૉ. અનિલકુમાર વરસાત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: ગાંધીનગર સમાચાર Gandhinagar News મહેસૂલ વિભાગ IITE

સંબંધિત સમાચાર