અમદાવાદ / ગાંધીનગર | ગાંધીનગરમાં પરિવર્તનના સંકલ્પ સાથે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના પ્રદેશ તથા સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં બોરિજ ખાતે "જન સંવાદ" અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સભા યોજાઈ હતી. આ સભામાં AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટ, મયુર સાકરિયા સહિત પ્રદેશ તથા સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ માટે આજે અમે ગાંધીનગરમાં એકઠા થયા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ એકઠા થયા હતા. દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા અને એ ફોર્મમાંથી હું ઘણા સેમ્પલ લઈને આજે આ કાર્યક્રમમાં પધાર્યો હતો. હું હજુ પણ મુખ્યમંત્રીને અપીલ કરું છું કે તમે તાત્કાલિક ધોરણે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, જો તમે 15 ઓગસ્ટ સુધી દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરો તો અમે આ તમામ ફોર્મ લઈને મુખ્યમંત્રી સુધી પહોંચીશું.
સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓને ખબર છે કે રોડ બનાવીએ કે ન બનાવીએ, લોકો તો વોટ આપવાના જ છે. વર્ષોથી આમ જ ચાલે છે; બજારની ગંદકી, બાળકોનું ભણતર, ખોરાક કે દવાખાનાની સુવિધાઓ વિશે કોઈ પૂછવા આવતું નથી, તો પછી ચૂંટણીમાં અહીં વિકાસ કેવી રીતે આવે? વિકાસને પણ ખબર છે કે ત્યાં જઈએ કે ન જઈએ, ગામવાળા સમયે બટન દબાવી જ દેશે. તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટી અને લાલભાઈ કે વૈશાલીબેન જેવા સ્થાનિક આગેવાનો આવ્યા છે જે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વિધવા સહાય કે લાઈટ બિલ જેવા સામાન્ય લોકોના નાના-મોટા કામોમાં મદદ કરે છે. ગરીબ અને સામાન્ય માણસને ક્યાં ૨૦૦ વીઘાના પ્લોટ ખરીદવા છે, બિલ્ડિંગો બનાવવી છે કે નદીમાંથી રેતી કાઢવાની છે? આપણે તો નાનું એવું કામ જ પડવાનું છે, પણ જો કોઈ કરોડપતિ માણસને ચૂંટીને લાવીએ તો તે આવા નાના કામ માટે ધિક્કારે છે, જ્યારે લાલભાઈ જેવા પોતાના માણસ સામાન્ય લોકોનું દુઃખ સમજીને સાંભળે છે. તમારા મોહલ્લામાં રહેતો, તમારા જેવો જ નાનો માણસ ચૂંટાઈને આવશે તો તેને ગરીબી સમજાવવી નહીં પડે. મોટા નેતાઓ ગરીબી કેવી હોય તે ચોપડીઓ વાંચીને જાણવાની કોશિશ કરે છે, જ્યારે લાલભાઈ જેવા આગેવાન પોતે ગરીબીમાં જન્મી, મોહલ્લામાં ઉછેરાઈને આગળ આવ્યા છે તેથી તેઓ વાસ્તવિકતા જાણે છે. તેમણે યુવાનોને ખાસ વિનંતી કરતા જણાવ્યું હતું કે ચૂંટણીઓ તો ઘણી આવશે અને જશે, પણ બે બાબતો ટકવી જોઈએ: એક તો જનતાનો વોટ આપવાનો અધિકાર છીનવી લેતી ભાજપ પાર્ટી ન આવવી જોઈએ અને વોટનો અધિકાર સદા ટકી રહેવો જોઈએ. બીજી વાત એ કે મોટા નેતાઓ અને મોટી પાર્ટીઓ પાછળ આપણે સૌએ ૩૦ વર્ષ બગાડ્યા છે, તેથી હવે એકવાર આપણામાંથી જ આવેલા નાના માણસને લાવીને તક આપી જોવી જોઈએ જેથી તે સમાજના સાચા કામમાં આવી શકે.
ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આ કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂત એક જ પાકનું વાવેતર ખેતરમાં વારંવાર કરતા નથી, હવે 30 વર્ષથી ભાજપનું બિયારણ વાવ્યા કરીયે તો ગટરના પાણી તો ઉભરાશે. ગઈ વખતે અમે કહ્યું કે હવે નવું બિયારણ આવ્યું છે આમ આદમી પાર્ટી નામનું તો અમને મોકો આપો, ત્યારે એ સમયે અમે નવા હતા એટલા માટે કદાચ લોકોએ અમારા પર વધારે ભરોસો ન કર્યો પરંતુ એક સીટ અમને જીતાડી આપી હતી. આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર હાલની તારીખમાં પણ આમ આદમી પાર્ટી સાથે છે એમણે પક્ષ પલટો કર્યો નથી, આનું નામ પ્રમાણિકતા કહેવાય અને તમે કોંગ્રેસના બે બિયારણ આવ્યા હતા એ બંને ભાજપમાં ભાગી ગયા. જો આ વખતે ભૂલ કરશો અને ફરીથી કોંગ્રેસને વોટ આપશો તો એ લોકો ફરીથી ભાજપમાં જતા રહેશે, તો હવે તમારી પાસે જો કોઈ મજબૂત વિકલ્પ હોય તો તે ફક્ત આમ આદમી પાર્ટી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત