ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર મોડી સાંજે સ્લેબ અચાનક ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘટનાસ્થળ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર માટે નિષ્ણાત તબીબોને તૈનાત કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં ૧૫ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે. જેમાંથી બે શ્રમિકો સુરક્ષિત હોવાથી રજા આપવામાં આવી છે અને બાકીના તમામ શ્રમિકોની હાલ સારવાર ચાલી રહી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, દુર્ઘટના બનતાં જ ગાંધીનગર મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ તેમજ સંબંધિત આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે આધુનિક સાધનો અને ક્રેનની મદદ લેવામાં આવી હતી.
દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની વિશેષ ટીમ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાકીદની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્ત દર્દીઓની સ્થિતિ જાણી હતી અને ફરજ પરના તબીબોને શ્રેષ્ઠતમ સારવાર આપવા જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બાંધકામ સ્થળે સલામતીના નિયમોનું પાલન થયું હતું કે કેમ તેમજ સેન્ટિંગ સ્લેબ તૂટવા પાછળ ગુણવત્તા કે અન્ય કોઈ ક્ષતિ જવાબદાર છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ નિયમ મુજબ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સમગ્ર પરિસ્થિતિ પર જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
બનાવ સ્થળે ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ પહોંચી ગયા હતા. સમયસર અને ઝડપી રેસ્ક્યુ કામગીરીને પરિણામે ઝીરો કેજ્યુલિટી થવા પામી છે.