મુખ્ય સામગ્રી પર જાઓ

ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર: ખેડૂતો માટે નવા કાયદાની માંગ

ખેડૂત ટ્રેક્ટર યાત્રાને સમર્થન છતાં ગોપાલ ઇટાલિયા કેમ દૂર રહ્યા? ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ સામે કર્યા સવાલો. વધુ વિગતો વાંચો.

ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર: ખેડૂતો માટે નવા કાયદાની માંગ

અમદાવાદ / જૂનાગઢ / ગાંધીનગર / ગુજરાત : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોનો સળગતો મુદ્દો એટલે કે પોલીસના સહારે ખાનગી કંપનીઓ દ્વારા દાદાગીરીપૂર્વક વીજ ટ્રાન્સમિશન લાઈનોના થાંભલા નાખવાની સરકારની દમનકારી નીતિ સામે ખેડૂતો દ્વારા ખેડૂત ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલા બજેટ સત્ર દરમિયાન મેં ત્રણ અલગ અલગ રીતે આ મુદ્દો ઉઠાવ્યો હતો. એક વખત તારાંકિત પ્રશ્ન, એક વખત દરખાસ્ત અને એક વખત પ્રાઈવેટ મેમ્બર બિલ દ્વારા ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી થાંભલા નાખવાના બનાવો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે ખેડૂતો અને વડીલો સાથે થયેલી ચર્ચામાં ખેડૂતો દ્વારા સ્વયંભૂ રીતે ખેડૂત ટ્રેક્ટર યાત્રા દ્વારા સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો નિર્ણય લેવાયો હતો. મોરબી જિલ્લાના જેતપર ગામે પણ ખેડૂતો ટ્રેક્ટર યાત્રા સાથે જોડાશે તેવી ચર્ચા થઈ હતી. ત્યારબાદ ઈસુદાન ગઢવી અને અમે સૌએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ખેડૂતોના મુદ્દે અમારો સંપૂર્ણ ટેકો છે. અમે કોઈ પક્ષીય કે રાજકીય વાત નથી કરતા, પરંતુ ખેડૂતોના પ્રતિનિધિ અને સુખચિંતક તરીકે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીએ છીએ.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતુ કે જ્યારે અમે ખેડૂત ટ્રેક્ટર યાત્રાને સમર્થન જાહેર કર્યું ત્યારે કોંગ્રેસના કેટલાક મિત્રોએ અમારી સામે કઠોર ટીકા-ટિપ્પણીઓ કરી. જો કોંગ્રેસના મિત્રો એવું ન ઈચ્છતા હોય કે અમે ખેડૂતોના મુદ્દે સહયોગ આપીએ તો પણ અમને કોઈ વાંધો નથી. ખેડૂતોનો મુદ્દો અન્ય વિવાદોમાં ન ફેરવાય અને મૂળ પ્રશ્ન પરથી ધ્યાન ન હટે તે માટે મેં ખેડૂત ટ્રેક્ટર યાત્રામાં ન જોડાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કોંગ્રેસના મિત્રોને એક જ પ્રશ્ન છે કે ફેબ્રુઆરીના બજેટ સત્રમાં તમારી પાર્ટીના કેટલા ધારાસભ્યોએ ટ્રાન્સમિશન લાઈનનો મુદ્દો ઉઠાવ્યો હતો? તારાંકિત પ્રશ્ન, અતારાંકિત પ્રશ્ન, ટૂંકી મુદતનો પ્રશ્ન, કામ રોકો દરખાસ્ત કે અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા આ મુદ્દે શું રજૂઆત કરવામાં આવી હતી? જો કોંગ્રેસ ખેડૂતોની એટલી ચિંતા કરતી પાર્ટી હોય તો તેનો રેકોર્ડ જાહેર કરવો જોઈએ. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ખાનગી ટ્રાન્સમિશન કંપનીઓ પોલીસને ભાડે રાખીને ખેડૂતોના ખેતરોમાં પ્રવેશ કરે છે અને તે અંગેનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવનાર વ્યક્તિ તરીકે મેં આ ભાંડો ફોડવાનું કામ કર્યું છે. વિસાવદરના ખેડૂતોએ મને વિધાનસભામાં મોકલ્યો છે અને તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવો મારી ફરજ છે. આજે સમગ્ર ગુજરાત જાણે છે કે ખાનગી વીજ કંપનીઓ માટે આવતી પોલીસ ભાડે આવેલી પોલીસ છે. મને કોઈ સાથે વિવાદ કરવો નથી, પરંતુ ખેડૂતોનો મુદ્દો સાઈડમાં રહી જાય અને ટીવીમાં માત્ર રાજકીય વિવાદ જ ચર્ચાય એવું ન બને તે માટે હું આ નિર્ણય પર પહોંચ્યો છું.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતુ કે ખેડૂતોના પ્રશ્ને મારી સ્પષ્ટ માંગ છે કે માત્ર વળતર આપવાની નહીં પરંતુ વળતર માટે કાયદામાં સુધારો કરવાની અથવા નવો કાયદો બનાવવાની જરૂર છે. હાલનું વળતર માત્ર પરિપત્ર આધારિત છે, જ્યારે પરિપત્ર કાયદો નથી. કાયદો વિધાનસભા કે સંસદમાં પસાર થતો હોય છે અને તેનો અમલ કરાવવા કોર્ટમાં જઈ શકાય છે. ફેબ્રુઆરીના બજેટ સત્રમાં મેં કામ રોકો દરખાસ્ત અને પ્રાઈવેટ મેમ્બર બિલ દ્વારા માંગણી કરી હતી કે વીજ કંપનીઓ થાંભલા નાખે તે પહેલાં ખેડૂતોને વાંધા અરજી કરવાનો અધિકાર આપવામાં આવે, વાંધાની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીઓ ખેતરમાં પ્રવેશ ન કરે, જમીન સંપાદન અને વળતર કાયદા મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે, થાંભલાના કારણે જમીનની કિંમતમાં થતો ઘટાડો પણ ચૂકવવામાં આવે અને ભવિષ્યમાં બાંધકામ કે અન્ય ઉપયોગ માટે મર્યાદિત થતી જમીનનું પણ માર્કેટ કિંમત મુજબ વળતર આપવામાં આવે. આ તમામ માંગણીઓ મેં વિધાનસભામાં મૂકી છે અને ખેડૂતોના મુદ્દે અમારો સંપૂર્ણ ટેકો છે. કોઈપણ પક્ષ ખેડૂતો માટે લડતો હોય તો તેને અમારું સમર્થન છે. ખેડૂતોનો પ્રશ્ન કોઈ એક પક્ષનો નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે. હું ભવિષ્યમાં પણ વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતો રહીશ અને ગુજરાતના તમામ ખેડૂતો, ખેડૂતપુત્રો તથા ખેડૂત સમર્થકોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ગુજરાત ખેડૂત હિત રક્ષણ ગુજરાત ખેડૂત આંદોલન જમીન સંપાદન વિવાદ ખેડૂત ટ્રેક્ટર યાત્રા વીજ ટ્રાન્સમિશન લાઇન ગુજરાત વિધાનસભા ખેડૂત પ્રશ્નો

સંબંધિત સમાચાર