અમદાવાદ/આણંદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવવા માટે મેદાને પડી છે. બોટાદના કડદા કાંડથી શરૂ થયેલા આંદોલનને વેગ આપવા માટે આમ આદમી પાર્ટી વિવિધ જિલ્લાઓમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત આગામી કિસાન મહાપંચાયતમાં પધારવા માટે ગુજરાતના તમામ ખેડૂતોને આમંત્રણ પાઠવતા જણાવ્યું હતું કે, ભાજપ સતત ખેડૂતોની અવહેલના-અવગણના કરી રહી છે. ભાવની વાત હોય, ખાતર-બિયારણની વાત હોય, સહાય ચૂકવવાની વાત હોય, પાક વીમાની વાત હોય, છેલ્લે કડદા કરીને પણ ખેડૂતો પર અત્યાચાર કરીને તેમને લૂંટવાનું ભાજપ ચૂકતી નથી.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરતી આવી છે. આગામી 29 તારીખે આંકલાવના અંબાલી ચોકડી પાસે સાંજે ચાર કલાકે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વ કિસાન ભાઈઓને ખેડૂતોને હું વિનંતી કરું છું મોટી સંખ્યામાં પધારજો. હું પણ આ કિસાન મહાપંચાયતમાં આવી રહ્યો છું આપણે ખેડૂતોએ એક થઈને આ ભાજપ સરકાર પાસે જે આપણી માંગણીઓ છે એ મુકીશું અને જો ભાજપ તે નહીં સ્વીકારે તો આપણે બધા ખેડૂતો એક થઈશું. જો આપણે બધા એક થઈશું તો કોઈ પણ સત્તા ટકી શકશે નહીં.


