મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગુજરાતના સાણંદમાં ઈન્ગરસોલ રેન્ડનું ₹170 કરોડનું નવું યુનિટ

ગુજરાતના સાણંદમાં ઈન્ગરસોલ રેન્ડે ₹170 કરોડના રોકાણ સાથે નવું ઉત્પાદન એકમ શરૂ કર્યું. મેક ઇન ઇન્ડિયાને ટેકો, 100% ગ્રીન એનર્જી, અને સ્થાનિક રોજગારીની તકો. 2030 સુધીમાં ઉત્પાદન ક્ષમતા બમણી થશે. સંપૂર્ણ માહિતી જાણો.  

ગુજરાતના સાણંદમાં ઈન્ગરસોલ રેન્ડનું ₹170 કરોડનું નવું યુનિટ

અમદાવાદ: વૈશ્વિક સ્તરે ફ્લો ક્રિયેશન અને ઔદ્યોગિક સમાધાન પૂરા પાડતી અગ્રણી કંપની ઈન્ગરસોલ રેન્ડ (Ingersoll Rand) એ ગુજરાતમાં મોટું રોકાણ કર્યું છે. કંપનીએ સાણંદ ખાતે પોતાનું અત્યાધુનિક ઉત્પાદન એકમ શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં 100 વર્ષથી વધુ સમયથી કાર્યરત આ કંપનીનું આ નવીનતમ યુનિટ ભારતની 'મેક ઈન ઇન્ડિયા' પહેલ સાથે સુસંગત છે અને પ્રાદેશિક વૃદ્ધિ પ્રત્યેની તેની કટિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટમાં કંપનીએ અંદાજે ₹170 કરોડનું રોકાણ કર્યું છે, જે નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળાથી કાર્યરત થવાની અપેક્ષા છે. આ યુનિટથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

ઈન્ગરસોલ રેન્ડનું સાણંદ ખાતેનું આ નવું ઉત્પાદન એકમ 65,856 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. પ્રથમ તબક્કામાં, તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 24,000થી વધુ યુનિટ્સની રહેશે. કંપનીએ લક્ષ્ય રાખ્યું છે કે 2028 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતામાં 1.5 ગણો વધારો થશે અને 2030 સુધીમાં તે વર્તમાન ક્ષમતા કરતાં બેગણી થઈ જશે. આ યુનિટ ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, ઓટોમોટિવ જેવા ઉદ્યોગો માટે સેન્ટ્રિફ્યુગલ કોમ્પ્રેસર્સ, રેફ્રિજરેશન ડ્રાયર્સ અને નાઇટ્રોજન જનરેટરો જેવા 'એન્જિનિયર્ડ-ટુ-પ્રોડક્ટ્સ' નું ઉત્પાદન કરશે.

ગુજરાતમાં રોકાણનું કારણ અને મહત્ત્વ

ઈન્ગરસોલ રેન્ડ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુનિલ ખંડુજાએ ગુજરાત સરકારનો સકારાત્મક સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ રોકાણ કંપનીની વિસ્તરણ વ્યૂહરચનાને મજબૂત કરે છે અને સ્થાનિક માંગને પહોંચી વળવા માટે વૈશ્વિક ટેક્નોલોજી લાવવા સક્ષમ બનાવે છે. ભારત એ કંપનીના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે. મીડિયા અહેવાલ મુજબ, આ નવું એકમ કંપનીને તેના ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે ઉચ્ચ સ્તરની લવચીકતા (Flexibility) અને ટેક્નોલોજી પૂરી પાડશે.

પર્યાવરણ અને ટેક્નોલોજી પર ભાર

સાણંદ યુનિટની ડિઝાઇન આધુનિક ઉત્પાદન અને પર્યાવરણીય જવાબદારીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તે 100% ગ્રીન એનર્જી પર ચાલશે અને 'ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ', વરસાદી જળ સંગ્રહ જેવી સુવિધાઓથી સજ્જ હશે. કંપનીએ પાંચ વર્ષમાં નેટ ઝીરો સંચાલન (Net Zero Operations) હાંસલ કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે. અહીં AI-પ્રેરિત પ્રિડિક્ટિવ મેઇન્ટેનન્સ અને ડિજિટલ ટૂલ્સ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે તેને માત્ર ઉત્પાદન જ નહીં, પણ એક ઈનોવેશન કેન્દ્ર પણ બનાવશે.

fashion

સંબંધિત સમાચાર

travel