મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક: NEET વિવાદમાં યોગેશ જાદવાણીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા યોગેશ જાદવાણીએ NEET પેપર લીક મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક થયા છે, જેના કારણે ભાજપ હવે "પેપર ફોડ પાર્ટી" તરીકે ઓળખાઈ રહી છે.

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક: NEET વિવાદમાં યોગેશ જાદવાણીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા યોગેશ જાદવાણીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે નીટ પરીક્ષાનું પેપર લીક થયું અને પેપર ફોડ પાર્ટી એટલે કે ભાજપના પાપે ફરી એકવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઈ છે. ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં અત્યાર સુધી 34 પેપર લીક થઈ ચૂક્યા છે. ગુજરાત ભાજપની આ શરૂ કરેલી યોજના હવે કેન્દ્ર સરકાર સુધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારમાં પણ આ ચોથું પેપર લીક છે. વર્ષ 2017માં એક પેપર, 2021માં એક પેપર અને ત્યારબાદ 2024માં પણ પેપર લીકની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા અને ED, CBI,IB જેવી કેન્દ્રની એજન્સીઓ પણ ભાજપને જીતાડવામાં વ્યસ્ત હતી. બીજી તરફ વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. માતા-પિતા પોતાના બાળકોને ભણાવવા માટે મુશ્કેલીઓ સહન કરી રહ્યા હતા, પરંતુ ભાજપના લોકોએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું. વિદ્યાર્થીઓ રાતભર જાગીને તૈયારી કરતા હોય, પરીક્ષા પાસ કરવાની ચિંતા કરતા હોય અને અંતે પેપર લીક થઈ જાય, તે ખૂબ જ દુઃખદ બાબત છે.

AAP નેતા યોગેશ જાદવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોઈ નવી ઘટના નથી. ગુજરાતમાંથી શરૂ થયેલી આ ખરાબ પરંપરામાં ભાજપ સરકારે જાણે રેકોર્ડ બનાવી દીધો છે. કદાચ વિશ્વના કોઈપણ રાજ્ય કે દેશમાં આટલા પેપર લીક ન થયા હોય. હવે ભાજપને ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ પેપર ફોડ પાર્ટી કહેવું યોગ્ય લાગે છે. જ્યારે પણ પેપર લીક થાય છે ત્યારે મંત્રીઓ, તંત્રીઓ એક જ વાત કરે છે કે કોઈને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી થશે, CBI તપાસ થશે, પરંતુ આજ સુધી કોઈ મોટા આરોપીને કડક સજા થઈ હોય તેવો દાખલો નથી. પેપર લીકના મામલામાં વારંવાર ભાજપ સાથે જોડાયેલા લોકોના નામ સામે આવે છે અને ભાજપના સંગઠનો સાથે સંબંધિત લોકોની સંડોવણી પણ બહાર આવે છે. આ આખી વ્યવસ્થા પોતાના લોકોને ફાયદો કરાવવા માટે ચાલી રહી છે અને તેના કારણે દેશના બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. જે માતા-પિતા પોતાના બાળકોને પેટ પર પટ્ટા બાંધીને ભણાવે છે, તેમની લાગણીઓ સાથે સરકાર ખેલ કરી રહી છે. સરકારને માત્ર સત્તા બચાવવાની ચિંતા છે. પેપર લીક થયા પછી પરીક્ષા રદ કરવી અને ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરવી એ કોઈ ઉકેલ નથી. જ્યારે પરીક્ષાઓ યોજાતી હોય ત્યારે સરકાર અને તપાસ એજન્સીઓ ક્યાં હોય છે? વિરોધ પક્ષના નેતાઓને દબાવવા, તોડવા અને ચૂંટણી જીતવા માટે સરકાર પાસે સમય છે, પરંતુ દેશના વિદ્યાર્થીઓ અને તેમના ભવિષ્ય માટે કોઈ ગંભીરતા નથી. ગુજરાતમાં દસ વર્ષમાં 34 પેપર લીક થવું એ શરમજનક બાબત છે. હવે દેશની જનતા ભાજપની હકીકત સમજી ગઈ છે. ભાજપ સરકારે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાનું બંધ કરવું જોઈએ, નહીં તો દેશની જનતા યોગ્ય જવાબ આપશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: aam aadmi party AAP NEET Exam Scam NEET-UG 2026

સંબંધિત સમાચાર