મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં વરસાદી માહોલ: આરોગ્ય વિભાગ એલર્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને તમામ આરોગ્ય કેન્દ્રો સજ્જ

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ રાજ્યમાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ નાગરિકોની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડ્યે તાત્કાલિક અસરથી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે વિભાગ સજ્જ છે.

ગુજરાતમાં વરસાદી માહોલ: આરોગ્ય વિભાગ એલર્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને તમામ આરોગ્ય કેન્દ્રો સજ્જ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને 'રેડ એલર્ટ'ની સ્થિતિને પગલે નાગરિકોની સુખાકારી અને આરોગ્યની સુરક્ષા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં આજે આરોગ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓની આરોગ્ય વિષયક સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદની મોસમમાં પાણીજન્ય રોગો અને ઝેરી જીવજંતુ કરડવાના કિસ્સાઓ વધુ બનતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓમાં જરૂરી તમામ દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જો કોઈ વિસ્તારમાં દવા ખૂટે, તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- PHC અથવા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર- CHCમાંથી તાત્કાલિક દવા મળી રહે તેવી મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ તમામ આરોગ્ય કેન્દ્રો પર તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ટીમો ૨૪ કલાક સેવામાં હાજર રાખવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખાસ કરીને જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેવા અમરેલી, રાજુલા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર તેમજ સુરત, નવસારી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના આસપાસના જિલ્લાઓમાં આરોગ્ય તંત્રને વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે સમગ્ર સ્થિતિને ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે અને તમામ જિલ્લાઓમાં આરોગ્યની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.

હાલ રાજ્યમાં કોઈ જ ગંભીર બાબત કે ચિંતાજનક પરિસ્થિતિ નથી. નાગરિકોની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે જ આજે આ બેઠક બોલાવીને દરેક જિલ્લાનો તાગ મેળવવામાં આવ્યો છે. આરોગ્ય ક્ષેત્રે જ્યાં પણ કોઈ કમી જણાય, ત્યાં તુરંત કડી પૂરી કરવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે, તેમ આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Tags: ગુજરાત વરસાદ જિલ્લા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ભારે વરસાદ રાજ્ય

સંબંધિત સમાચાર