મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતની મોટી સિદ્ધિ: ઊંઝાના જીરું અને વરિયાળીને મળ્યો વૈશ્વિક GI ટેગ

ઉત્તર ગુજરાતના ઊંઝાના પ્રખ્યાત મસાલા - જીરું અને વરિયાળીને ભારત સરકારની GI રજિસ્ટ્રી દ્વારા સત્તાવાર ભૌગોલિક માન્યતા (GI ટેગ) આપવામાં આવી છે. આ સિદ્ધિ વડાપ્રધાનના ‘લોકલ ટુ ગ્લોબલ’ વિઝનને સાકાર કરે છે.

ગુજરાતની મોટી સિદ્ધિ: ઊંઝાના જીરું અને વરિયાળીને મળ્યો વૈશ્વિક GI ટેગ

ગાંધીનગર:  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાત તેના પરંપરાગત કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સતત નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યું છે, અને તેના દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના વિઝનને સાકાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં સ્થિત ઊંઝાના પ્રખ્યાત મસાલાઓ એટલે કે ઊંઝાનું જીરું અને ઊંઝાની વરિયાળીને ભારત સરકારની જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) રજિસ્ટ્રી દ્વારા પ્રતિષ્ઠિત GI ટેગ આપવામાં આવ્યો છે. આ સાથે જ, બંને ઉત્પાદનો હવે વૈશ્વિક બજારમાં પોતાની વિશિષ્ટ ભૌગોલિક ઓળખ અને સત્તાવાર બ્રાન્ડ તરીકે સ્થાપિત થશે.

 

ગુજરાતની આ સિદ્ધિ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના વિઝનને અનુરૂપ ઊંઝાના જીરા અને વરિયાળીને મળેલો GI ટેગ ‘ગામડાથી ગ્લોબલ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ ફક્ત એક સરકારી પ્રમાણપત્ર જ નથી, પરંતુ આપણા ખેડૂતોની અથાગ મહેનત, ગુવણત્તાયુક્ત કૃષિ ઉત્પાદનો, વેપારીઓના વિશ્વાસ અને ઊંઝાની સમૃદ્ધ કૃષિ પરંપરાનું સન્માન છે. તેના થકી બંને ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં વિશિષ્ટ ઓળખ મળશે, બંને ઉત્પાદનો પોતાની અલગ બ્રાન્ડ તરીકે સ્થાપિત થશે અને ગુજરાતના કૃષિ ઉત્પાદનોની વૈશ્વિક પ્રતિષ્ઠા વધુ મજબૂત થશે.”

GI ટેગ ગુણવત્તા, પ્રામાણિકતા અને ભૌગોલિક ઓળખની સત્તાવાર મહોર

GI (ભૌગોલિક સંકેત) ટેગ એવા ઉત્પાદનોને આપવામાં આવે છે, જેમની વિશિષ્ટ ગુણવત્તા, પ્રતિષ્ઠા અથવા લાક્ષણિકતાઓ ચોક્કસ ભૌગોલિક પ્રદેશ સાથે સંકળાયેલી હોય. આ ટેગ જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઑફ ગુડ્સ (રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન) ઍક્ટ, 1999 અંતર્ગત આપવામાં આવે છે. GI ટેગ સંબંધિત ઉત્પાદનની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે, ગુણવત્તાના નિર્ધારિત માપદંડોનું રક્ષણ કરે છે, અને નકલી ઉત્પાદનોના સર્ક્યુલેશનને અસરકારક રીતે રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

GI ટેગથી બ્રાન્ડ વેલ્યુ અને નિકાસની ક્ષમતામાં વધારો થશે

 

GI ટેગ મળવાથી ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળી બંને પ્રમાણિત ભૌગોલિક બ્રાન્ડ તરીતે સ્થાપિત થશે. તેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની વિશ્વસનીયતા વધશે, જેનાથી સારો ભાવ મળશે અને નિકાસની સંભાવનાઓ મજબૂત થશે. નિષ્ણાંતોના મતે, GI-ટેગવાળા ઉત્પાદનો સામાન્ય ઉત્પાદનો કરતાં 20 થી 30 ટકા વધુ બજાર ભાવ મેળવી શકે છે. તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે સ્થાનિક કૃષિ અર્થતંત્ર પણ મજબૂત થવાની અપેક્ષા છે.

 

સામૂહિક પ્રયાસો થકી ઊંઝાના જીરું અને વરિયાળીને મળ્યો GI ટેગ

 

ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળી માટે GI ટેગ મેળવવાની પ્રક્રિયા વિવિધ સંસ્થાઓના સંકલિત પ્રયાસોનું પરિણામ છે. કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC), ઊંઝા, ભારત સરકાર, ગુજરાત સરકારનો બાગાયત અને ખેડૂત કલ્યાણ વિભાગ, સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (SDAU) તેમજ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), ગુજરાત સહિત વિવિધ સંસ્થાઓએ આ સિદ્ધિને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સિદ્ધિ ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વેપારીઓ અને વિવિધ સંસ્થાઓ વચ્ચેના સફળ સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે.

 

આ વિશેષ સિદ્ધિ અંગે ઊંઝા કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC)ના ચેરમેન શ્રી દિનેશ પટેલે જણાવ્યું કે, “ઊંઝાના જીરું અને વરિયાળીને મળેલો GI ટેગ ઊંઝાના ખેડૂતો અને મસાલાના વેપાર માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. તેનાથી બંને ઉત્પાદનોની પ્રામાણિકતા અને બજાર વિશ્વસનીયતાને નવી મજબૂતી મળશે. વૈશ્વિક સ્તરે તેમની માંગ અને સ્વીકૃતિમાં વધારો થશે, જેનાથી ખેડૂતોને સારા ભાવ મળવાની સાથે જ નિકાસ અને મૂલ્યવર્ધનની નવી તકો પણ પ્રાપ્ત થશે.”

 

ભારતની GI ટેગની યાદીમાં ગુજરાતના કૃષિ ઉત્પાદનો બનાવી રહ્યા છે સશક્ત ઓળખ

 

હાલમાં ભારત સરકારની GI રજિસ્ટ્રીમાં 400થી વધુ ઉત્પાદનોની નોંધણી થયેલી છે, જેમાં ગુજરાતની ગીરની કેસર કેરી, ભાલિયા ઘઊં, કચ્છી ખારેક અને અમલસાડી ચીકૂ જેવા વિશિષ્ટ કૃષિ ઉત્પાદનો સામેલ છે. હવે આ યાદીમાં ઊંઝાના જીરૂં અને વરિયાળી પણ સામેલ થઈ ગયા છે, જેનાથી ગુજરાતના GI ટેગ પ્રાપ્ત કૃષિ ઉત્પાદનોની ઓળખ વધુ સશક્ત બની છે. આનાથી રાજ્યના કૃષિ ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા તો મજબૂત થશે જ, સાથે સાથે ખેડૂતો માટે વધુ સારા બજારભાવ, મૂલ્યવર્ધન અને નિકાસની તકો પણ વધશે.

Tags: વોકલ ફોર લોકલ કૃષિ ઉત્પાદન ઊંઝા ગુજરાત કૃષિ Gujarat Agricultural Products Unjha Fennel GI Tag GI ટેગ Global recognition for Gujarat spices GI Tag India list Unjha Cumin GI Tag APMC ઊંઝા વૈશ્વિક નિકાસ જીરું વરિયાળી

સંબંધિત સમાચાર