મુખ્ય સામગ્રી પર જાઓ

હર્ષ સંઘવીના હસ્તે 'નરેન્દ્ર મોદી એક સર્જક' પુસ્તકનું વિમોચન: જાણો શું છે ખાસ?

ગાંધીનગરની NFSU ખાતે "NAMO યુવા સંવાદ" કાર્યક્રમનું આયોજન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકસિત ભારત ૨૦૪૭ ના લક્ષ્ય અંગે યુવાનોને માર્ગદર્શન આપ્યું.

હર્ષ સંઘવીના હસ્તે 'નરેન્દ્ર મોદી એક સર્જક' પુસ્તકનું વિમોચન: જાણો શું છે ખાસ?

યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનાવવા તથા તેમના વિચારો અને સૂચનોને રાષ્ટ્રીય વિકાસના માર્ગ સાથે જોડવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-NFSU, ગાંધીનગર ખાતે "NAMO યુવા સંવાદ: વિકસિત ભારત બ્લ્યુ પ્રિન્ટ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ યુવાનો સાથે સંવાદ સાધીને વિકસિત ભારતના વિઝન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાનશ્રીના પરિવર્તનશીલ શાસનના ૧૨ વર્ષની ઉજવણીના આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેષ જહા લિખિત 'નરેન્દ્ર મોદી એક સર્જક' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

 

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તેઓ અહિયાં કોઈ ઔપચારિક ભાષણ આપવા નહીં પરંતુ યુવાનોના મનની વાત સાંભળવા અને તેમના અનુભવો જાણવા આવ્યા છે. વર્ષ ૨૦૧૪ થી અત્યારસુધીમાં દેશમાં કૃષિ, અર્થતંત્ર, મોબિલિટી, કાયદો અને વ્યવસ્થા, યુવા અને મહિલા સશક્તીકરણ ક્ષેત્રે અદભૂત વિકાસ થયો છે, જેના આપણે સૌ લાભાર્થીઓ છીએ. વર્ષ ૨૦૧૪ પહેલાં દેશના ગરીબો કાચા ઝૂંપડાઓમાં રહેવા મજબૂર હતા, પરંતુ છેલ્લા ૧૨ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪ કરોડથી વધુ પાકા મકાનો બનાવીને ગરીબોને સન્માનજનક જીવન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૪ પહેલાં દેશના ૫૦ ટકાથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો બેંકિંગ સિસ્ટમથી વંચિત હતા, જેમને હવે પ્રથમ વખત પોતાના બેંક ખાતાનો હક મળ્યો છે. આ આંકડાઓ માત્ર સરકારી યોજના નથી, પરંતુ ગરીબોના જીવનસ્તરને ઊંચું લાવવાની દેશની મક્કમ પ્રતિબદ્ધતા છે.

 

દેશમાં માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે, અટલ ટનલ જેવા અનેક પ્રોજેક્ટ્સથી નાગરિકોની મુસાફરીનો સમય અને ઈંધણની મોટી બચત થઈ રહી છે. આઝાદીથી વર્ષ ૨૦૧૪ સુધી જેટલા એરપોર્ટ હતા તેના કરતાં વર્ષ ૨૦૨૬ સુધીમાં અઢી ગણા વધુ નવા એરપોર્ટ વિકસાવવામાં આવ્યા છે, જ્યારે 'ઉડાન' યોજના થકી સામાન્ય નાગરિક અને વડીલો પણ સસ્તા દરે વિમાન પ્રવાસનું સપનું પૂરું કરી રહ્યા છે. વંદે ભારત અને આગામી સમયમાં આવનાર બુલેટ ટ્રેન માત્ર સમય બચાવવાની સાથે રોજગાર અર્થે અપ-ડાઉન કરતા લાખો નાગરિકોના સામાજિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

 

સ્વચ્છતા અભિયાનની સફળતા વિશે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે ઘરોમાં નાના બાળકો સ્વચ્છતા પ્રત્યે સજાગ છે, જે આગામી વર્ષોમાં સ્વચ્છ ભારતનો મજબૂત પાયો છે. યુવાનોએ જવાબદાર નાગરિક બનીને રસ્તા પર કચરો ન ફેંકવાનો આગ્રહ રાખવો જોઈએ. ગિફ્ટ સિટીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, એક સમયે વિવેચકો જેને 'દિવસે જોયેલું સપનું' ગણાવતા હતા, તે આજે એક વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે સાકાર થયું છે. નવી પેઢીના યુવા સ્ટાર્ટઅપ્સે પણ ટૂંકા ગાળાના નફા પાછળ દોડવાને બદલે બિઝનેસના લાંબાગાળાના અને ટકાઉ મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

 

અંતમાં, યુવાનોને સોશિયલ મીડિયા પર ફેલાતી અસત્ય અને વણચકાસાયેલી અફવાઓથી દૂર રહીને વાસ્તવિક હકીકતો જાણવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. 'વિકસિત ભારત ૨૦૪૭' નો સંકલ્પ એ અંદાજે ૧૪૦ કરોડ ભારતીયોના સામૂહિક વિકાસનો સંકલ્પ છે. યુવાનોને પ્રેરણા આપતા તેમણે ઉમેર્યું કે જીવનમાં ક્યારેય પણ હતાશા કે નિરાશા અનુભવાય ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંઘર્ષમય જીવન અને તેમના પુસ્તકો વાંચીને સખત મહેનતથી આગળ વધવાનો માર્ગ શોધવો જોઈએ.

 

આ કાર્યક્રમાં વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સંજય જોશી (IAS), શ્રી પથિક શાહ, શ્રી કૌશલ ઉપાધ્યાય, શ્રી કર્ણવ પટેલ, શ્રી માઇકલ મસુંદા સહિતના વક્તાઓ દ્વારા પ્રથમ સત્ર દરમિયાન ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’, બીજા સત્રમાં ‘ફ્રેજાઇલ ટુ વાઇબ્રન્ટ ઇકોનોમી’, ત્રીજા સત્રમાં ‘જનજાતીય ગૌરવ, અંત્યોદય અભ્યુદય’ અને ચોથા સત્રમાં ‘ઇનોવેટ, ઇન્ટિગ્રેટ, ઇન્સ્પાયર’ વિષય પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. 

કાર્યક્રમના અંતે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, શ્રી ઓજસભાઈ હીરાણી, શ્રી શિવમ ચુડાસમા સહિત યુવાનો, શિક્ષણજગતના પ્રતિનિધિઓ તથા વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: NAMO યુવા સંવાદ NFSU ગાંધીનગર ગિફ્ટ સિટી વિકાસ ગુજરાત સરકાર વિકાસ કાર્યક્રમ યુવા સશક્તીકરણ ગુજરાત નરેન્દ્ર મોદી એક સર્જક પુસ્તક ભાગ્યેશ જહા વિકસિત ભારત બ્લ્યુ પ્રિન્ટ હર્ષ સંઘવી ગાંધીનગર વિકસિત ભારત ૨૦૪૭

સંબંધિત સમાચાર