હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં શુક્રવારે ઉદયપુર-પાંગી રોડ પર એક દુઃખદ ઘટના બની હતી, જેમાં એક ચાલતી ટેક્સી પર અચાનક નજીકની ટેકરી પરથી મોટા પથ્થરો પડતાં 13 લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.
મૃતકોમાં છ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ એસયુવીમાં કુલ પંદર લોકો સવાર હતા અને તે કુલ્લુથી કિલર તરફ જઈ રહી હતી ત્યારે જ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. મોટા પથ્થરો વાહન પર પડતાં તે સંપૂર્ણપણે કચડાઈ ગયું હતું.
અકસ્માત બાદ વાહનના પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકો અને સેનાના જવાનોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વાહન કાટમાળમાં ફેરવાઈ ગયેલું અને આગની લપેટમાં જોવા મળે છે.
ભરમોરના ધારાસભ્ય જનક રાજે પીટીઆઈને આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, 15 મુસાફરોમાંથી 13ના મોત થયા છે, જ્યારે વાહનમાંથી કૂદીને બહાર નીકળી ગયેલા બે વ્યક્તિઓ બચી ગયા છે.
તેમણે ચંબા અને લાહૌલ-સ્પીતિના ડેપ્યુટી કમિશનરોને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા વિનંતી કરી હતી. પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કામગીરી ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મુસાફરો અગાઉના દિવસે ઉદયપુર-કિલર રોડ બંધ હોવાથી ટિન્ડીમાં ફસાયા હતા. શુક્રવારે રોડ ફરી ખુલ્યા બાદ તેઓ પાંગી જવા રવાના થયા હતા, પરંતુ અકસ્માતનો ભોગ બન્યા હતા. જોકે, તેમની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી.
ડેપ્યુટી કમિશનર લાહૌલ અને સ્પીતિ કિરણ બદાનાએ પીટીઆઈને જણાવ્યું હતું કે 13 લોકોના મોત થયા છે. પોલીસને અકસ્માતની જાણ થતાં જ એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું.