વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (Mohamed bin Zayed Al Nahyan) વચ્ચેની બેઠકમાં ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વર્ષ 2032 સુધીમાં 200 બિલિયન ડોલર સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કરાયો છે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ગુજરાતના GIFT City અને ધોલેરા (Dholera SIR) માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.
ભારત-UAE દોસ્તી નવી ઊંચાઈએ: ગુજરાત બનશે રોકાણનું હબ
નવી દિલ્હી ખાતે UAE ના રાષ્ટ્રપતિની ટૂંકી પરંતુ અત્યંત મહત્વની મુલાકાતે ભારત સાથેના સંબંધોને વ્યૂહાત્મક સ્તરે મજબૂત કર્યા છે. 2026 ના વર્ષમાં શરૂ થનારા બીજા 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ' (Infrastructure Fund) માં વડાપ્રધાન મોદીએ UAE ના સોવરિન વેલ્થ ફંડ્સને જોડાવા આમંત્રણ આપ્યું છે. બંને દેશો વચ્ચે થયેલા ડઝનથી વધુ કરારોમાં ઊર્જા, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ગુજરાત માટે મોટા સમાચાર: GIFT City અને ધોલેરામાં UAE ની એન્ટ્રી
આ મુલાકાત ગુજરાતના આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે:
GIFT City: UAE ની અગ્રણી First Abu Dhabi Bank અને DP World ગિફ્ટ સિટીમાં પોતાની ઓફિસો અને કામગીરી શરૂ કરશે. ફર્સ્ટ અબુ ધાબી બેન્ક વેપાર અને રોકાણ માટે શાખા ખોલશે, જ્યારે ડીપી વર્લ્ડ વૈશ્વિક કામગીરી માટે જહાજો લીઝ પર લેવાની પ્રક્રિયા અહીંથી કરશે.
Dholera SIR: ગુજરાત સરકાર અને UAE ના રોકાણ મંત્રાલય વચ્ચે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ના વિકાસ માટે સમજૂતી થઈ છે. જેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ, સ્માર્ટ અર્બન ટાઉનશિપ અને રેલવે કનેક્ટિવિટી જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ઊર્જા અને પરમાણુ ક્ષેત્રે સહયોગ
ભારતની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે HPCL અને ADNOC Gas વચ્ચે 10 વર્ષનો લાંબાગાળાનો કરાર થયો છે, જે હેઠળ 2028 થી ભારત લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ની ખરીદી કરશે. આ ઉપરાંત, બંને દેશો મોટા ન્યુક્લિયર રિએક્ટર અને 'સ્મોલ મોડ્યુલર રિએક્ટર' (SMR) જેવી અદ્યતન પરમાણુ ટેકનોલોજીમાં સહયોગ વધારવા સંમત થયા છે.
ડિજિટલ અને ડિફેન્સમાં નવી ભાગીદારી
સુપરકમ્પ્યુટિંગ: UAE ની G42 કંપની ભારતમાં સુપરકમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપવામાં મદદ કરશે.
ડિજિટલ પેમેન્ટ: બંને દેશોના નેશનલ પેમેન્ટ પ્લેટફોર્મને એકબીજા સાથે જોડવા માટે ટીમોને સૂચના અપાઈ છે, જેથી ક્રોસ-બોર્ડર પેમેન્ટ વધુ ઝડપી અને સસ્તું બને.
ભારત માર્ટ: MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે 'ભારત માર્ટ' અને 'વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર' જેવા માધ્યમોથી નવા બજારો ખોલવામાં આવશે.
વર્ષ 2025 માં બંને દેશો વચ્ચેનો વેપાર 100 બિલિયન ડોલર સુધી પહોંચ્યો હતો, જેને હવે 2032 સુધીમાં બમણો કરવાનો લક્ષ્યાંક છે. વડાપ્રધાન મોદીએ શેખ મોહમ્મદ બિન જાયદનું એરપોર્ટ પર વ્યક્તિગત સ્વાગત કરીને ભારત-UAE ના અતૂટ સંબંધોનો પરિચય આપ્યો હતો.


