Gujarat ATS: ગુજરાતની ATSની ટિમ દ્વારા પોરબંદરમાં મોટું ઓપરેશન હાથ ધરાયું છે. ATSએ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને પોરબંદરમાંથી એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ ATS સત્તાવાર જાહેરાત કરશે. માનવામાં આવે છે કે આજે સાંજ સુધીમાં મીડિયાને સત્તાવાર માહિતી આપવામાં આવી શકે છે.
આતંકવાદી ગતિવિધિઓના સંબંધમાં તેની આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ ISISમાં જોડાવા માટે ભાગવાની તૈયારી કરી રહ્યા હતા અને છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. તેને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી બોસ તરફથી મેસેજ આપવામાં આવી રહ્યા હતા.
સમીરા IS મોડ્યુલ કરતી હતી
ATS દ્વારા ઝડપાયેલી મહિલાની ઓળખ સમીરા બાનો તરીકે થઈ છે. સુરતની રહેવાસી સમીરા બાનોએ તમિલનાડુમાં લગ્ન કર્યા હતા. તે IS મોડ્યુલ પર કામ કરતી હતી. સમીરા 16-18 વર્ષના છોકરાઓને લવ જેહાદ માટે તૈયાર કરતી હતી. લવ જેહાદના રેકેટમાં સમીરા પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.
શુક્રવારે (9 જૂન) એટીએસ ડીઆઈજી દીપેન ભદ્રનની આગેવાની હેઠળ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એટીએસ છેલ્લા કેટલાક સમયથી આરોપીઓ પર નજર રાખી રહી હતી અને તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી.
અમદાવાદમાંથી પણ શકમંદ ઝડપાયા હતા
ગયા મહિનાની શરૂઆતમાં, ATSએ એક મોટી કાર્યવાહીમાં અલ કાયદા સાથે સંબંધિત મોડ્યુલનો ખુલાસો કર્યો હતો. એટીએસે 22 મેના રોજ ગુજરાતનાં અમદાવાદમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી હતી તેમજ ત્રણની અટકાયત ATS દ્વારા કરવામાં આવી હતી. ATS દ્વારા ધરપકડ કરાયેલા ચારેય લોકો બાંગ્લાદેશના રહેવાસી હતા, જેઓ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને મુસ્લિમ યુવાનોને અલ-કાયદામાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા.