મુખ્ય સામગ્રી પર જાઓ

ઈસુદાન ગઢવીનો હુંકાર: "અમે સત્તા માટે નહીં, ગુજરાતના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ"

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન સામે આકરા પ્રહાર કર્યા છે. પંજાબમાં ધારાસભ્ય ચૈતર વસાવા અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી આદિવાસી સમાજમાં ભારે રોષ હોવાનું જણાવી ગઢવીએ દાવો કર્યો હતો કે ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઈસુદાન ગઢવીનો હુંકાર: "અમે સત્તા માટે નહીં, ગુજરાતના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ"

અમદાવાદ / નર્મદા / ભરૂચ / વડોદરા / ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં જઈને ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર જે નિવેદનો કર્યા છે, તેનાથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. આદિવાસી સમાજે વર્ષો સુધી  ભાજપના લોકલ નેતાઓને જોઈને નહીં પરંતુ નરેન્દ્રભાઈ મોદીને જોઈને ભાજપને વોટ આપ્યા છે. પરંતુ એમણે ગઈકાલે કહ્યું કે “આદિવાસી યુવાન ચૈતર વસાવાને ખંડણી અને અધિકારીઓને ધમકાવવાના કેસમાં કોર્ટે સજા કરી.” અગાઉ લાગતું હતું કે આ સજા ભાજપના લોકલ નેતાઓએ કરાવી હોય એવું હોઈ શકે છે પરંતુ હવે લાગી રહ્યું છે કે કદાચ નરેન્દ્ર મોદી અને અમિત શાહના મોનિટરિંગમાં સજા થઈ હોય તેવું પણ બની શકે છે. અત્યાર સુધી 25 પેપર લીક થયા તો એના આરોપીઓને કેમ સજા કરવામાં આવી નથી? કેટલાય ભાજપના નેતાઓએ અધિકારીઓને માર માર્યો છે એમની કેમ સજા થઈ નથી? લઠ્ઠા કાંડ, સુરતનો અગ્નિકાંડ, રાજકોટનો ગેમઝોન કાંડ, વડોદરામાં હરણી બોટકાંડ અને મોરબી બ્રિજ દુર્ઘટના જેવી અનેક ઘટનાઓ થઈ પરંતુ એમાં કોને સજા કરવામાં આવી? આનાથી સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટાચાર કરનાર લોકોને જેલમાં નાખવામાં તમને રસ નથી પરંતુ આદિવાસી યુવાન જે બહાર આવે છે એને જેલમાં નખાવી દીધા. બચુ ખાબડનું મંત્રીપદ છીનવી લીધું, એમના દીકરા ઉપર એફઆઇઆર થઈ પરંતુ બચુ ખાબડ હજુ સુધી કેમ બહાર છે?

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તમે અમારા પિતા સમાન છો અને તમારી ફરજ બનતી હતી અમને પ્રોટેક્ટ કરવાની, અમને મદદ કરવાની. પરંતુ આજે તમે અમને ડરાવી ધમકાવીને ખોટા કેસો કરાવીને અને જેલમાં નખાવડાવો છો. આજે અમે યુવાનો એકઠા થઈને આદિવાસી સમાજ માટે, દલિત સમાજ માટે, ઓબીસી સમાજ માટે, ખેડૂતો માટે અને જેમના પર અત્યાચાર થાય છે એમના માટે લડીએ છીએ, તો અમને ચુપ કરાવવા માટે આટલા બધા ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતનો અને આદિવાસી સમાજનો કોઈ અવાજ ન ઉઠાવે એટલા માટે અમને કચડી નાંખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. શું તમે આ બધાનું મોનિટરિંગ કરો છો? એ સવાલ આદિવાસી સમાજ પૂછી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીજીએ મહારાષ્ટ્રમાં જઈને નિવેદન કર્યું હતું કે અજીત પવારે કરોડોનું કૌભાંડ કર્યું છે અને એ જ અજીત પવારને તમે ભાજપમાં લઈ લીધા, આ સિવાય હેમંત બિશ્વા, સુધાંશુ અધિકારીને તમે પોતાની પાર્ટીમાં લઈ લીધા છે.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, શું હવે ચૈતર વસાવા આદિવાસી સમાજના લોકો માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે? અમારી પાસે કોઈ અધિકાર નથી? શું લોકતંત્ર રહ્યું નથી? તમે પિતા સમાન છો અને જો તમારે અમને ખતમ કરવા માટે ષડયંત્ર કરવા પડતા હોય, અમે કોની પાસે આશા રાખીએ. તમે ફક્ત ભાજપના પ્રધાનમંત્રી નથી. આજે તમે પેપર લીક અટકાવી શકતા નથી. એનો મતલબ એ થયો કે તમે ગુજરાતના યુવાનો કે ગુજરાતની પ્રજા માટે નહીં પરંતુ તમારી સત્તા બનેલી રહે એના માટે ષડયંત્ર કરો છો. આજે આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવાની સાથે છે. આ મામલે આગામી 24 તારીખે હું પોતે પણ ડેડીયાપાડા જઈશ અને ત્યાંથી ચૈતરભાઈના સમર્થનમાં એક લાખ આદિવાસી સમાજના લોકોના હસ્તાક્ષર કરાવવાના અભિયાનને આગળ વધારીશું. ચૈતરભાઈ સાચા છે કે નથી? શું ચૈતરભાઈએ અવાજ ઉઠાવ્યો એ કોઈ ગુનો છે? શું ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે? આવા તમામ મુદ્દાઓને લઈને અમે 24 તારીખે  હસ્તાક્ષર અભિયાન ચલાવીશું. અને અમે હવે રાષ્ટ્રપતિને પત્ર લખીશું કારણ કે હવે અમને રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે ભાજપની આઈટી સેલ અમને ગાળો દે છે. જે કરોડોના કૌભાંડ થાય છે, પેપર લીક થાય છે, ખેડૂતોને લૂંટવામાં આવે છે એ બધું બંધ થાય એના માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ, શું એ અમારો ગુનો છે? જો આ રીતે તાનાશાહી ચાલશે તો વિપક્ષ મુક્ત ભારત બની જશે. અને જ્યારે આ ભાજપના આઇટી સેલના લોકોના દીકરા દીકરીઓ સાથે કોઈ ઘટના ઘટશે તો એમના માટે અવાજ ઉઠાવનાર કોઈ હશે નહીં. આજે સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી અમારી સામે છે, પોલીસો અને મોટા અધિકારીઓ સામે અમે ઝીંક ઝીલી રહ્યાં છીએ, અમને ગમે ત્યારે જેલમાં નાંખવામાં આવી શકે છે તો હું ગુજરાતી જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે હવે અમે તમારા ભરોસે છીએ. અમને એટલા માટે સાથ આપો કારણ કે અમે તમારા સંતાનોના ભવિષ્ય માટે લડત લડી રહ્યા છીએ. આજે ગુજરાતમાં બેફામ ગુંડાગર્દી થઈ રહી છે, બેફામ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, અધિકારીઓ જમીનોમાં ભાગ બટાઈ કરી રહ્યા છે અને જનતાને બચાવનારો કોઈ નથી એટલા માટે અમારે રાજનીતિમાં આવવું પડ્યું છે. અંબાજીથી ઉમરગામ સુધી વસેલા આદિવાસી સમાજને હું કહેવા માગું છું કે આપણા દીકરાને જેલમાં નખાવ્યો છે, જેમ અંગ્રેજોએ ભગવાન બિરસા મુંડાને જેલમાં નાખ્યા હતા એ જ રીતે ભાજપે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે, માટે હવે તમારે એક થવાની જરૂર છે. અંબાજીથી ઉમરગામના તમામ આદિવાસી યુવાન સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને ચૈતર વસાવા માટે સમર્થન જાહેર કરે. આગામી સમયમાં અંબાજીથી ઉમરગામ સુધીમાં કાર્યક્રમો કરીશું ત્યારે તમે હજારો અને લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભાજપને બતાવી દો કે તમારા અત્યાચાર કે અન્યાયથી અમે ડરવાના નથી.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી રાજકીય ષડયંત્ર ઈસુદાન ગઢવી ચૈતર વસાવા ગુજરાત રાજકારણ ભાજપ સરકાર આદિવાસી સમાજ હસ્તાક્ષર અભિયાન AAP versus BJP Gujarat politics Chaitar Vasava AAP support Isudan Gadhvi press conference Adivasi samaj protest Gujarat Chaitar Vasava case updates ડેડિયાપાડા નરેન્દ્ર મોદી નિવેદન

સંબંધિત સમાચાર