મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં થતા અતિશય ખર્ચ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે "સોના કરતાં ઘડામણ મોંઘું" હોવાનો ઘાટ સર્જાયો હોવાના આક્ષેપ સાથે સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

અમદાવાદ/જૂનાગઢ/ગુજરાત : ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના છેલ્લા દિવસે મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે મને એનો જવાબ આપ્યો છે. જેમાં બહુ જ ગંભીર ઘટના સામે આવી છે. મેં એવું પૂછ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સસ્તા અનાજની દુકાનેથી રેશન કાર્ડ ધારકોને ઘઉં આપવા માટે કયા ભાવે, કઈ એજન્સી પાસેથી કેટલા ઘઉં સરકારે ખરીદ્યા. આ જે ઘઉં સરકારે ખરીદ્યા, રાજ્ય સરકારે એ ઘઉંને હેરફેર કરવી પડે. માનો કે રાજ્ય કક્ષાએ ખરીદી કરી હોય તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મોકલવા પડે, તો એની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે કેટલો ખર્ચ થયો અને એ ઘઉંને તમે તાલુકા-જિલ્લામાં પહોંચાડ્યા પછી ગ્રાહકો એટલે કે ગરીબ જે લોકો અનાજ લેશે એને વિતરણ કરવા માટે કેટલો ખર્ચ થયો ? અત્યંત આશ્ચર્યજનક ગંભીર આંકડાઓ સામે આવ્યા છે. બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી, એટલે કે એક ફૂટે બાર ઈંચનો ફરક પડ્યો. ગુજરાત રાજ્યની સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ગરીબોને આપવા માટે જે ઘઉં ખરીદ્યા, એ ખરીદીની કિંમત છે પાંચ કરોડ. પાંચ કરોડ રૂપિયાના ઘઉં ખરીદ્યા. પછી એ ઘઉં અલગ અલગ જિલ્લા અને તાલુકામાં પહોંચાડવા માટે ૧૦૦ કરોડ અને વીસ લાખનો ખર્ચ કર્યો. હવે તાલુકા-જિલ્લામાં જે ઘઉં પહોંચી ગયા, એ ઘઉં ગરીબ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે 57 કરોડ 71 લાખનો ખર્ચ કર્યો.

વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે એટલે પાંચ કરોડના ઘઉં લીધા, સો કરોડમાં એ ઘઉં તાલુકા-જિલ્લામાં પહોંચાડ્યા અને સત્તાવન કરોડના ખર્ચે એ ઘઉં ગરીબો સુધી પહોંચાડ્યા. આવું સારું કામ ગુજરાતની ભાજપની સરકારે કર્યું છે. વિચાર કરો કે આ તો સોના કરતાં ઘડામણ મોંઘું થઈ ગયું. જો આવી રીતે જ સરકાર કામ કરતી હોય, પાંચ કરોડના ઘઉં અને એને જથ્થાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સો કરોડ, તો પછી સીધા સીધા રૂપિયા જ ગરીબોને આપી દેતા હોય તો ગરીબોને ઘઉં-ચોખા બધું જ મફત જેમ ભાવે જાય. આ તમામ બાબતો સાબિત કરે છે કે આ સરકાર ભ્રષ્ટાચારથી ભરપૂર છે. દરેક મુદ્દાઓમાં ભ્રષ્ટાચાર કરે છે અને આ ભ્રષ્ટાચાર રોકવા માટે આવનારી સ્થાનિક ચૂંટણીમાં જનતા જાગૃત થઈ ઝાડુનું બટન દબાવે, એવી હું વિનંતી કરું છું.
 

fashion

સંબંધિત સમાચાર

travel