અમદાવાદ, 2 ઓક્ટોબર 2026: મહાત્મા ગાંધી જયંતીના અવસર પર સ્વચ્છતા પખવાડિયા-2026 અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં આજે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નેતૃત્વ હેઠળ ‘સ્વચ્છ ટ્રેક મેગા અભિયાન’નું વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું.અભિયાન અંતર્ગત મંડળના લગભગ 3,000 કિલોમીટર રેલવે ટ્રેકની એક જ દિવસમાં સફાઈ કરવામાં આવી, જે લગભગ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના અંતર જેટલું છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી અમદાવાદ મંડળના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓએ સાથે મળીને એક જ દિવસમાં લગભગ 3,000 કિલોમીટર રેલવે ટ્રેકની સફાઈ કરીને સ્વચ્છતા અભિયાનમાં વ્યાપક ભાગીદારીનો કીર્તિમાન સ્થાપિત કર્યો.
આ પ્રસંગે સાબરમતી રેલવે સ્ટેશન પર મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે રેલવે અધિકારીઓ, કર્મચારીઓ, સ્વચ્છતા પ્રહરીઓ તથા સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના સભ્યોને સ્વચ્છતાની શપથ લેવડાવી હતી. સૌએ સ્વચ્છ રેલવે પરિસર, સ્વચ્છ ટ્રેક તથા સ્વચ્છ રેલવેના સંકલ્પને સાકાર કરવા તેમજ સ્વચ્છતા અને જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો.
આ અભિયાન અંતર્ગત મંડળના તમામ સ્ટેશન માસ્ટર અને સુપરવાઇઝર, સફાઈ કર્મચારીઓ તેમજ અન્ય રેલવે કર્મચારીઓ દ્વારા પોતાના હોમ સ્ટેશનથી આગળના સ્ટેશન સુધીના ટ્રેક તથા સ્ટેશન પરિસરની સાફ-સફાઈમાં સક્રિય ભાગીદારી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સ્ટેશનો, યાર્ડો, રેલવે કોલોનીઓ તેમજ ટ્રેકની બાજુના વિસ્તારોમાં એકસાથે શ્રમદાન અને વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર પણ આજે વ્યાપક સ્તરે સ્વચ્છતા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, સાબરમતી, વિરમગામ, માલિયા મિયાણા, રાધનપુર, ધ્રાંગધ્રા, મહેસાણા, પાલનપુર, ભુજ, ગાંધીધામ, અસારવા તથા હિંમતનગર સહિત મંડળના વિવિધ સ્ટેશનો, યાર્ડો, રેલવે કોલોનીઓ, હેલ્થ યુનિટ તેમજ ટ્રેકસાઇડ વિસ્તારોમાં રેલવે કર્મચારીઓ અને અન્ય સહભાગી સમૂહો દ્વારા વિશેષ સાફ-સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ સ્વચ્છતા અભિયાનમાં રેલવે કર્મચારીઓ, તેમના પરિવારજનો, રેલવે સુરક્ષા દળ, સ્કાઉટ અને ગાઇડ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય સહભાગી સમૂહોએ સક્રિયપણે ભાગ લીધો હતો. શ્રમદાનના માધ્યમથી સ્વચ્છતાને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલવેના પરિચાલનને પ્રભાવિત કર્યા વિના તેમજ રનિંગ લાઇનોની નજીક નિર્ધારિત સુરક્ષા સાવચેતીઓનું પાલન કરીને તમામ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
સ્વચ્છતા પખવાડા-2026 અંતર્ગત 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2026 સુધી અમદાવાદ મંડળમાં વિવિધ સ્વચ્છતા અને જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી કાર્યક્રમો અંતર્ગત 3 થી 5 ઓક્ટોબર સુધી મુખ્ય સ્થળોએ સઘન સફાઈ અભિયાન, 6 થી 8 ઓક્ટોબર દરમિયાન ટ્રેકસાઇડ તથા જૂના પડતર કચરાની સફાઈ, 9 થી 10 ઓક્ટોબર દરમિયાન બિનજરૂરી પોસ્ટર, બેનર તથા ગુટખાના ડાઘ દૂર કરવાનું અભિયાન તેમજ 11 થી 15 ઓક્ટોબર દરમિયાન ઘન કચરા વ્યવસ્થાપન નિયમો, 2026ના પાલન અને જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદ મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડા-2026ના માધ્યમથી રેલવે પરિસરો, ટ્રેક, સ્ટેશનો તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાને વધુ સુદૃઢ બનાવવાની સાથે-સાથે મુસાફરો, રેલવે કર્મચારીઓ અને સામાન્ય જનતામાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ‘સ્વચ્છ ટ્રેક મેગા અભિયાન’ સ્વચ્છ રેલ, સ્વચ્છ ટ્રેક અને સ્વચ્છ રેલવેનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા તેમજ સ્વચ્છતાને જનભાગીદારીનો અભિન્ન હિસ્સો બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.