મુખ્ય સામગ્રી પર જાઓ

જૂનાગઢ ખાતે મોંઘવારી મુદ્દે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછત મુદ્દે વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરીયા અનોખી રીતે ઊંટગાડી અને બળદગાડા સાથે જૂનાગઢ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, "વાવણીની સીઝનમાં ખેડૂતોને ડીઝલ નથી મળતું, જ્યારે ભાજપના સેટિંગવાળાઓ અને કોન્ટ્રાક્ટરોને ખાનગીમાં પુરવઠો મળી રહ્યો છે!

જૂનાગઢ ખાતે મોંઘવારી મુદ્દે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન

અમદાવાદ/જૂનાગઢ/ગુજરાત : મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ અનોખી રીતે બળદગાડા અને ઊંટગાડી સાથે કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયાની આગેવાનીમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી પેટ્રોલ-ડીઝલ, દૂધ, ગેસ તેમજ ખાતરના વધતા ભાવથી સામાન્ય જનતા, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો પર આવી રહેલા આર્થિક સંકટ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતો માટે ડીઝલ ક્વોટા વધારવા, ઇંધણ પરનો VAT અને સેસ ઘટાડવા તથા ડીઝલની સંગ્રહખોરી અટકાવવા માટે ‘પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ’ કાર્યરત કરવાની માંગ પણ કરવામાં આવી હતી. ઉંટ ગાડીમાં આવેદનપત્ર આપવા પહોંચેલા આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી, ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્ણ થયા પછી, ડીઝલની અછત ઊભી થઈ છે, એનાથી ગુજરાતભરના ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, ટ્રાવેલ્સનું કામ કરતાં લોકો અને ઉદ્યોગ કરતાં લોકો ખૂબ પરેશાન છે. અત્યારે ખેતીની સિઝન ચાલુ થઈ છે. વાવણીનો સમય શરૂ થયો છે. આગોતરું વાવેતર એટલે કે ઓરવણી કરવાનો સમય છે. અત્યારે ખેતરોમાં હળ ચલાવવાનું,  અલગ અલગ મશીનરી ચલાવી ખેતર ખેડવાનો સમય છે. ત્યારે જ ડીઝલ મળતું નથી. હવે ચોમાસામાં એટલે કે જૂન-જુલાઈ મહિનામાં ખેતી કરવી હોય તો અત્યારે મે-જૂન મહિનામાં હાતી હાંકવુ જરૂરી છે. હાતી હાંકવા માટે ટ્રેક્ટરમાં નાંખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાંબી લાઇનો લાગે છે. ગુંડાઓ, માથાભારે માણસો અને ભાજપના કોન્ટ્રાકટરોને પણ ખાનગીમાં ડિઝલ મળે છે. પરંતુ સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે છે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે. હવે ડીઝલ જેવી જીવનજરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવુ પડશે ?

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે કલેક્ટરને અત્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જૂનાગઢ જિલ્લામાં જે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂરી ડીઝલ મળે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરીએ છીએ કે અનેક લોકોએ ડીઝલનો સંગ્રહ કરી રાખ્યો છે. ખાસ કરીને ભાજપનાં માણસોએ અને માથાભારે માણસોએ સેટિંગથી ટિપણા ભરી લીધાં છે. જનતાને ખબર છે કે ક્યાં ગામમાં કયાં માણસે ટિપણા ભરી રાખ્યા છે. ફરિયાદ ક્યાં કરવી? હું કલેક્ટરના અધિકારીઓને વિનંતી કરીશ કે હેલ્પલાઇન નંબર જાહેર કરો, જેથી જે ખેડૂતને ડીઝલનો અભાવ હોય તે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકે. જે પેટ્રોલ પંપ ઉપર સંગ્રહખોરી થતી હોય ત્યાંથી પણ જનતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકે, એવો હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વિનંતી કરું છું. મોંઘવારી બેફામ ફાટી રહી છે. સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બની ગયું છે. સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જનતા પીડાઈ રહી છે. બિયારણના ભાવ વધ્યા, પેટ્રોલ-ડીઝલ તો મળતું જ નથી. હમણાં લાઇટના ભાવ, સ્માર્ટફોનની ફી અને દવાખાનાના બિલ વધશે તો જનતા જીવશે કેમ? સરકાર ધ્યાન ન આપે તો જનતાનું જીવન મુશ્કેલ બને એવો સમય આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ અમારી ફરજના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યુ છે. આશા રાખીએ કે જૂનાગઢ જિલ્લામાં ડીઝલની જે કંઈ તંગી અને અછત છે એ દૂર થાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળવા લાગે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: aam aadmi party Gopal Italia AAP AAP GUJARAT aap news

સંબંધિત સમાચાર