ભારતમાં અંતરીક્ષ ટેકનોલોજીના ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી વધારવા અને ભવિષ્યના અંતરિક્ષ વૈજ્ઞાનિકો તથા ઇજનેરો તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે Gujarat Technological University (જીટીયુ) અને Space Applications Centre – ISRO (સેક–ઇસરો) દ્વારા “લેટ્સ બિલ્ડ નેનોસેટેલાઇટ્સ” વિષય પર એક રાષ્ટ્રીય સ્તરની એકદિવસીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સેમિનાર 20 જાન્યુઆરી 2026, સવારે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી, સેક–ઇસરો, અમદાવાદ ખાતે યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નેનો-સેટેલાઇટ ડિઝાઇન, વિકાસ અને નિર્માણ માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સેક–ઇસરોના અનુભવી વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ વાસ્તવિક અંતરિક્ષ પ્રોજેક્ટ પર કાર્ય કરવાની તક પૂરી પાડવાનો છે. આ પહેલ વિદ્યાર્થીઓને સિદ્ધાંત આધારિત શિક્ષણથી આગળ વધારીને વાસ્તવિક અંતરિક્ષ મિશન સાથે જોડે છે.
કુલ 40 વિદ્યાર્થીઓની પસંદગી સેક–ઇસરોના વૈજ્ઞાનિકોના સહયોગથી થતી કડક મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જીટીયુ ખાતે વાસ્તવિક નેનો-સેટેલાઇટ વિકસાવવાની તક મળશે, જેને આગળ જઈને સેક–ઇસરોના ભવિષ્યના મિશનમાં પ્રક્ષેપિત કરવાની યોજના છે.
આ સેમિનાર જીટીયુ સંલગ્ન ઇજનેરી અને ટેકનોલોજી કોલેજોના યુજી (ચોથા સેમેસ્ટરથી આગળ) તથા પીજી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, ઇસી, ઇન્સ્ટ્રુમેન્ટેશન, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, કમ્પ્યુટર અને આઈટી જેવા વિષયોનો સમાવેશ થાય છે.
આ પહેલ આત્મનિર્ભર ભારત, સ્વદેશી અંતરિક્ષ ટેકનોલોજી અને રાષ્ટ્રીય અંતરિક્ષ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે જીટીયુની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે અને ગુજરાતને અંતરિક્ષ શિક્ષણના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે.