લીમખેડા : લીમખેડા-દાહોદ રોડ પર વિજય હોટલ નજીક પિકઅપ ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ત્રણેય યુવકો લીમખેડાના ખીરખાઈ ગામના રહેવાસી હતા અને કૌટુંબિક ભાઈઓ હતા. અકસ્માત બાદ પિકઅપ ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મૃતક યુવકોની ઓળખ અનિલ નાનજી દેવધા (ઉં. ૨૧), સંજય સનુ દેવધા (ઉં. ૧૮) અને રતન કુરબાન દેવધા (ઉં. ૧૮) તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણેય યુવકો લીમખેડા યુનિટ હોસ્પિટલમાં દાખલ પોતાના સંબંધી વિકાસના ખબર-અંતર પૂછવા આવ્યા હતા. વિકાસ અને મૃતક સંજય સગા ભાઈઓ છે. હોસ્પિટલમાંથી મુલાકાત પૂર્ણ કરીને ત્રણેય યુવકો પરત પોતાના ગામ ખીરખાઈ જઈ રહ્યા હતા ત્યારે વિજય હોટલ નજીક પૂરપાટ ઝડપે આવતી પિકઅપ ગાડીએ તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ તેમનું કરુણ મૃત્યુ થયું હતું.
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા લીમખેડા મામલતદાર અનિલ વસાવા અને પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.બી. ખરાડી પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ફરિયાદી કનુભાઈ બચુ દેવધાની ફરિયાદના આધારે પોલીસે ફરાર પિકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
સ્થાનિકોમાં આ અકસ્માતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ લીમખેડા હડફ નદીનો બ્રિજ રિપેરિંગ માટે બંધ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેને કારણે આ રોડ પર વાહનોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે. વારંવાર સર્જાતા અકસ્માતોને રોકવા માટે આ માર્ગ પરના વળાંકો પર સૂચના બોર્ડ મૂકવા અને સ્પીડ બ્રેકર બનાવવાની તાતી જરૂરિયાત હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. સુરક્ષાના અભાવે વધુ એકવાર ત્રણ યુવાનોએ પોતાનો જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.