મુખ્ય સામગ્રી પર જાઓ

લોકશાહીની મજબૂતી માટે નિરમા યુનિવર્સિટીમાં પરિસંવાદ: ચૂંટણી તંત્ર અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આવશે એક મંચ પર

લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને જવાબદેહીને વધુ સુદૃઢ કરવાના ઉદ્દેશ્યથી, મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની કચેરી દ્વારા આગામી ૨૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ અમદાવાદની નિરમા યુનિવર્સિટી ખાતે “Electoral Transparency: Political Parties as Concurrent Auditors” વિષય પર એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ (Thematic Symposium)નું આયોજન કરવામાં આવ્યું છે.

લોકશાહીની મજબૂતી માટે નિરમા યુનિવર્સિટીમાં પરિસંવાદ: ચૂંટણી તંત્ર અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આવશે એક મંચ પર

 લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદેહીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની કચેરી દ્વારા આગામી 21 જુલાઈ, 2026ના રોજ નિરમા યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “Electoral Transparency: Political Parties as Concurrent Auditors” વિષય પર આંતરરાષ્ટ્રીય વિષયક પરિસંવાદ (Thematic Symposium) યોજવામાં આવશે. આ પરિસંવાદનું આયોજન ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેમોક્રસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ (IIIDEM),નવી દિલ્હી સહિતની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

 

આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાગળે  IAS, રાજસ્થાનના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી નવીન મહાજન IAS, છત્તીસગઢના ચૂંટણી તંત્રના પ્રતિનિધિઓ તેમજ ફિલિપાઇન્સના ચૂંટણી વ્યવસ્થાપન ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, દેશની વિવિધ પ્રતિષ્ઠિત કાયદા યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ (Vice-Chancellors), રજિસ્ટ્રાર, શિક્ષણવિદો, સંશોધકો, કાયદા ક્ષેત્રના નિષ્ણાતો તથા ચૂંટણી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અધિકારીઓ પણ પરિસંવાદમાં સહભાગી થશે.

 

આ પરિસંવાદનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે રાજકીય પક્ષો ચૂંટણીમાં માત્ર સ્પર્ધક તરીકે જ નહીં, પરંતુ ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓમાં મહત્વપૂર્ણ હિતધારક અને નિરીક્ષક તરીકે પણ ભૂમિકા ભજવે છે. મતદાર યાદીની તૈયારીથી લઈને મતદાન, મતગણતરી અને પરિણામોની પ્રક્રિયા સુધી રાજકીય પક્ષોના અધિકૃત પ્રતિનિધિઓ અને એજન્ટોની ઉપસ્થિતિ ચૂંટણી પ્રક્રિયાની સતત દેખરેખ અને ચકાસણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ પરિપ્રેક્ષ્યમાં રાજકીય પક્ષોની ભૂમિકાને “Concurrent Auditors” એટલે કે ચૂંટણી પ્રક્રિયાની સમાંતર અને સતત ચકાસણી કરનારા હિતધારકો તરીકે વધુ અસરકારક રીતે સમજવા અને વિકસાવવા અંગે પરિસંવાદમાં વિશેષ વિચારમંથન કરવામાં આવશે.

 

પરિસંવાદ દરમિયાન પાંચ મહત્વપૂર્ણ વિષય પર અલગ-અલગ સત્રોમાં ગહન ચર્ચા કરવામાં આવશે. તેમાં સંસ્થાકીય માળખું, તટસ્થતા અને રાજકીય પક્ષ આધારિત દેખરેખ- સમગ્ર ચૂંટણીચક્ર દરમિયાન ચકાસણીની સાતત્યતા અને તેમાં રહેલી ખામીઓ- પારદર્શિતા, વિશ્વાસ અને રાજકીયકરણનું જોખમ- ટેક્નોલોજી આધારિત ચૂંટણી વ્યવસ્થામાં Auditability તેમજ નિરીક્ષણથી જવાબદેહી સુધીની પ્રક્રિયા જેવા સમકાલીન અને મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.

 

આધુનિક ચૂંટણી વ્યવસ્થામાં ટેક્નોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ઇલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી, ડિજિટલ મતદાર યાદીઓ, પરિણામ વ્યવસ્થાપન અને ડેટા આધારિત ચૂંટણી પ્રક્રિયાઓએ ચૂંટણી સંચાલનમાં નવી તકો ઊભી કરી છે, તો સાથે સાથે ચકાસણીક્ષમતા, સાયબર સુરક્ષા અને જાહેર વિશ્વાસ જેવા નવા પડકારો પણ સામે આવ્યા છે. આવા સંજોગોમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ, રાજકીય પક્ષો, કાયદા નિષ્ણાતો, શિક્ષણવિદો અને અન્ય હિતધારકો વચ્ચે સંવાદ અને અનુભવોનું આદાન-પ્રદાન વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે.

 

દેશના વિવિધ રાજ્યો તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની ભાગીદારીને કારણે આ પરિસંવાદ ચૂંટણી પારદર્શિતાના વિવિધ મોડલ અને વ્યવહારુ અનુભવોને એક મંચ પર લાવશે. ખાસ કરીને ફિલિપાઇન્સના પ્રતિનિધિઓના આંતરરાષ્ટ્રીય અનુભવો, વિવિધ રાજ્યોના ચૂંટણી અધિકારીઓના વ્યવહારુ અનુભવો અને દેશની કાયદા યુનિવર્સિટીઓના શૈક્ષણિક તથા કાનૂની દૃષ્ટિકોણના સમન્વયથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદેહી વધુ મજબૂત બનાવવા અંગે વ્યાપક ચર્ચા થશે.

 

પરિસંવાદનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે વિષય નિષ્ણાતો અને સહભાગીઓ વચ્ચે વિસ્તૃત અને અર્થપૂર્ણ સંવાદ થઈ શકે. ઉદ્ઘાટન સત્ર બાદ પાંચ અલગ અલગ વિષય ટ્રેકમાં સમાંતર સત્રો યોજાશે અને દિવસના અંતે સમાપન સત્ર યોજાશે. પરિસંવાદનું સ્થળ ILNU Building, Nirma University, Ahmedabad રહેશે.

 

આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાંથી પ્રાપ્ત થનારા વિચારો, અનુભવો અને નિષ્ણાતોના સૂચનો દ્વારા ચૂંટણી પારદર્શિતાની હાલની વ્યવસ્થાઓની વધુ સારી સમજ વિકસાવવા, ઉભરતા પડકારો અને તકોની ઓળખ કરવા, વિવિધ ચૂંટણી વ્યવસ્થાઓની શ્રેષ્ઠ પ્રથાઓનું દસ્તાવેજીકરણ કરવા તથા પુરાવા આધારિત નીતિ વિષયક ભલામણો વિકસાવવામાં મદદ મળશે. આ વિચારમંથન ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા, જવાબદેહી અને જનવિશ્વાસને વધુ સુદૃઢ કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

Tags: લોકશાહી Strengthening Indian Democracy IIIDEM Nirma University International Symposium on Electoral Transparency Ahmedabad IIIDEM Concurrent Auditors Election Transparency India 2026 Political Parties as Concurrent Auditors ટેકનોલોજી આધારિત ચૂંટણી ચૂંટણી પારદર્શિતા ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી નિરીક્ષણ મુખ્ય નિર્વાચન અધિકારી નિરમા યુનિવર્સિટી

સંબંધિત સમાચાર