બેંગલુરુ : વૈશ્વિક જોબ સાઈટ ઈન્ડીડના એક નવા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, કૌટુંબિક અને બાળકોની સંભાળની જવાબદારીઓ આજે પણ મહિલાઓની કારકિર્દીના નિર્ણયોને પ્રભાવિત કરી રહી છે. સર્વેક્ષણમાં સામેલ 83% મહિલાઓએ સ્વીકાર્યું કે કૌટુંબિક અને બાળકોની સંભાળની સાથે નોકરી કરવી અઘરી લાગતી હોવાથી, તેમણે અરજી કરવાનું જ ટાળ્યું હતું.
ઈન્ડીડ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શશી કુમારે જણાવ્યું હતું કે, “ભલે આજે ઘણા ઘરોમાં પરિવારના સભ્યો મળીને ઘર-બાળકોની જવાબદારીઓ વહેંચતા હોય, પણ આ સર્વે દર્શાવે છે કે ભારતમાં મહિલાઓ આજે પણ કારકિર્દીના મોટા નિર્ણયો લેતી વખતે આ જરૂરિયાતોને ખાસ ધ્યાનમાં રાખે છે. મહિલાઓ આગળ વધવા તો માંગે જ છે, પણ હવે તેઓ એવી નોકરીઓ પસંદ કરવામાં વધુ સાવધ બની છે જે તેમની કૌટુંબિક અને બાળકોની સંભાળની વાસ્તવિકતા સાથે મેળ ખાતી હોય. જે કંપનીઓ કામકાજમાં વાસ્તવિક અનુકૂળતા અને સ્પષ્ટ અપેક્ષાઓ પૂરી પાડે છે, તેઓ આવી કુશળ મહિલાઓને આકર્ષવામાં અને પોતાની સાથે જોડી રાખવામાં વધુ સફળ રહેશે.”
અનુકૂળતા હવે માત્ર સગવડ નથી, તે કારકિર્દી ઘડવા માટે અનિવાર્ય છે
સર્વેના તારણો દર્શાવે છે કે મહિલાઓ માટે કારકિર્દીની તકો પસંદ કરતી વખતે કામકાજની અનુકૂળતા એક નિર્ણાયક પરિબળ બની ગઈ છે. નવી નોકરી પસંદ કરવાની વાત આવે ત્યારે 53% મહિલાઓ માટે કામના અનુકૂળ કલાકો સૌથી પહેલી પ્રાધાન્યતા છે, જ્યારે 48% મહિલાઓ હાઇબ્રિડ અથવા રિમોટ વર્કને વધુ મહત્વ આપે છે. આ બદલાવ કર્મચારીઓના પગારના નિર્ણયોમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે, જ્યાં દર 10 માંથી લગભગ 8 મહિલાઓ કામકાજમાં વધુ યોગ્ય અનુકૂળતા અને પર્સનલ-પ્રોફેશનલ લાઇફમાં સંતુલન મેળવવા માટે ઓછો પગાર સ્વીકારવા પણ તૈયાર છે, જેમાં 45% મહિલાઓએ આ વાત પર મંજૂરી આપી છે અને 34% મહિલાઓ તે અંગે વિચારી શકે છે.
નોકરી કરતી માતાઓ માટે હાઇબ્રિડ અને રિમોટ વર્ક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. સર્વે અનુસાર, 37% મહિલાઓએ હાઇબ્રિડ અથવા રિમોટ વર્કને કાર્યસ્થળના એકમાત્ર એવા ફેરફાર તરીકે ઓળખાવ્યો છે, જે નોકરી કરતી માતાઓના જીવનમાં સૌથી મોટો સકારાત્મક તફાવત લાવી શકે છે. એક પ્રોત્સાહક બાબત એ છે કે, 59% લોકોનું માનવું છે કે કામકાજની અનુકૂળતાએ ભારતમાં માતાઓ માટે કારકિર્દીની તકો સાચે જ વધારી દીધી છે, જ્યારે અન્ય 30% લોકોનું કહેવું છે કે તેનાથી ઘણી હદ સુધી મદદ મળી છે.
કંપનીઓ માટે હવે સ્પષ્ટતા અને પારદર્શકતા અનિવાર્ય
આજના સમયમાં જ્યારે મોટાભાગની કંપનીઓ ફરીથી ઓફિસ આવીને કામ કરવાના મોડલ પર ભાર મૂકી રહી છે, ત્યારે ઓફિસ હાજરી અંગેના નિયમો નોકરીના નિર્ણયોને મોટા પાયે પ્રભાવિત કરી રહ્યા છે. સર્વેમાં સામેલ 51% મહિલાઓએ જણાવ્યું કે તેઓએ માત્ર ઓફિસ આવીને કામ કરવાની ફરજિયાત શરતોના કારણે નોકરીના ઈન્ટરવ્યુ અથવા ઓફર નકારી દીધી છે.
આ સર્વે નોકરીની વિગતોમાં સ્પષ્ટતા અને વાસ્તવિકતા હોવાના મહત્વ પર પણ ભાર મૂકે છે. નોકરીની નવી તકોનું મૂલ્યાંકન કરતી વખતે મહિલાઓ માટે સંપૂર્ણ સમય ઓફિસ આવવાની શરત સૌથી મોટી ચિંતા અથવા નકારાત્મક બાબત તરીકે સામે આવી છે, જેનો ઉલ્લેખ 37% મહિલાઓએ કર્યો છે. આ યાદીમાં બીજા ક્રમે નોકરીમાં અનુકૂળતાનો અભાવ (34%) જોવા મળ્યો છે.
જ્યારે વધુને વધુ કંપનીઓ કામ કરવાની પદ્ધતિઓ પર નવેસરથી વિચાર કરી રહી છે, ત્યારે જે સંસ્થાઓ યોગ્ય અનુકૂળતા આપશે અને નિયમો તેમજ અપેક્ષાઓમાં સ્પષ્ટતા રાખશે, તેઓ મહિલા પ્રતિભાઓને આકર્ષવામાં અને તેમને કારકિર્દીના કોઈપણ તબક્કે પોતાની કંપની સાથે જોડી રાખવામાં વધુ સફળ સાબિત થશે.