રાજપીપલા : વ્હાલ વાદળ અને વરસાદનો ઉત્સવ એટલે નર્મદા મોન્સુન ફેસ્ટિવલ-૨૦૨૫ આકાંક્ષી નર્મદા જિલ્લામાં એકતાનગર ઓડિટોરિયમમાં ગત તારીખ ૧૨મી સપ્ટેમ્બર થી ૧૭મી સપ્ટેમ્બર,૨૦૨૫ સુધી પાંચ દિવસ ચાલેલા કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર નર્મદાના સંયુક્ત ઉપક્રમે સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાંચ દિવસ દરમ્યાન એકતાનગર અને આસપાસના ગ્રામજનોએ ખ્યાતનામ કલાકારો દ્વારા સાંજે સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા જેને લોકોએ મન ભરીને માણીને રસ તરબોળ બની તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો.
આ મોન્સુન ફેસ્ટિવલનો તા. ૧૭મી સપ્ટેમ્બરે જોગાનુ જોગ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદીની ઉપસ્થિતિમાં સફળ રીતે શાનદાર સમાપન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદીએ કલાકારો અને ઉપસ્થિત યુવાનો અને જનમેદનીને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના બેટી પઢાવો, બેટી બચાવો, બેટી વધાવો, મુહિમને વધાવી દીકરો-દીકરી એકસમાન ભાવ રાખી સન્માન કરવા જણાવ્યું હતું અને એકતાનગર ઓડિટોરિયમમાં ‘‘દીકરી જેને ઘેર એને લીલા લ્હેર’’ નાટક પ્રસ્તુતિને બીરદાવી હતી અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય નાટકના પાત્ર કાવ્યા પરાગ વૈષ્ણવ, પલકે ફેશન ડિઝાઇનને સ્ટેજ પરથી એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા અને ઉપસ્થિત જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જ્ઞાન ગમ્મત મનોરંજન સાથે લોકજાગૃતિ સામાજિક નાટકની સરાહના કરી હતી.
જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદી દ્વારા હોલની બહાર સ્વૈચ્છિક સંસ્થા અને સરકારી સ્ટોલ જેવા કે, પ્રાકૃતિક ખેતી, આર્ટ ક્રાફ્ટ એન્ડ કલ્ચર ફેસ્ટની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું સાથે પોષણ માહ પખવાડિયા ઉજવણી અને નારી સન્માન કાર્યક્રમ થકી બહેનોને સ્થાનિક રોજગારી મળી રહે તેની પણ પ્રશંસા કરી હતી અને પોષણ સ્ટોલ, આઈ.સી.ડી.એસ. દ્વારા તૈયાર કરેલા સ્ટોલ ઉપર મીલેટ્સમાંથી તૈયાર કરેલી વાનગી થપેલા, હાંડવો અને અન્ય વાનગી ચાખીને સ્વાદ માણ્યો હતો, આમ મોન્સુન ફેસ્ટિવલમાં અસંખ્ય લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, મામલતદારશ્રી વૈષ્ણવ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછાર તેમજ પદાધિકારીઓ, સંગઠનની બહેનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સ્ટાફ અને પરિવારજનો તેમજ યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમને મનભરીને માણ્યો હતો.