અમદાવાદ / જુનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ફેસબૂક લાઈવના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે-ચાર દિવસથી ભાજપના નેતાઓ જનતાની આંખમાં ધૂળ નાખવા પબ્લિસિટી સ્ટંટ કરી રહ્યા છે. ભાજપના નેતાઓએ જાહેરાત કરી કે તેઓ પોતાના કાફલામાં ગાડીઓ ઘટાડી રહ્યા છે પેટ્રોલ ડીઝલને બચાવી રહ્યા છે, કોઈ ચાલીને વિધાનસભા ગયું, કોઈ સાયકલમાં ગયું. હવે ગુજરાતની ભ્રષ્ટ પાર્ટી ભાજપ સરકારે જાહેરાત કરી છે કે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેસીને કામ કરો. તો સવાલ છે કે ઘરે બેસીને કોણ કામ કરશે? પેટ્રોલ ડીઝલના મુદ્દાને ભાજપના નેતાઓ મજાક બનાવી રહ્યા છે. હકીકતમાં સરકારી માણસો કચેરીઓમાં આવતા લોકોને ધક્કા ખવડાવે છે, આ ડોક્યુમેન્ટ નથી, પેલું ઘટે છે, એમ કરીને કાલે આવજો, પરમદિવસ આવજો કરે છે. ભાજપના રાજમાં તાલુકાની સરકારી ઓફિસોમાં બેઠેલા સાહેબો જો જનતાને ધક્કા ખવડાવતા બંધ થઈ જાય તો અબજો રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ બચે એમ છે. મુખ્યમંત્રીના કાફલામાં 20 ગાડીઓ હોય એની જગ્યાએ કાફલો ઘટાડીને ત્રણ ગાડી કરી દેવામાં આવે તો એનાથી જનતાને શું ફાયદો થશે? પેટ્રોલ ડીઝલ બચાવવા માટે જનતાને જે તાલુકા મથકે જવા માટે જે ધક્કા ખાવા પડે છે, એ ધક્કા ઓછા થાય એવી ટેકનોલોજી, વેબસાઈટ, એપ્લિકેશન, whatsapp સુવિધા કે મિસકોલ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે તો અબજો રૂપિયાનું ડીઝલ બચે એમ છે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, રોજ હજારો કેદીઓને જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવે છે અને આની પાછળ ખૂબ જ ડીઝલ વપરાય છે, તો પછી વિડિયો કોન્ફરન્સથી કેદીઓની કોર્ટમાં હાજરી પુરાઈ એવું આયોજન કેમ કરવામાં આવતું નથી? સરકારી પેટ્રોલ ડીઝલ બચાવવું છે કે પછી એના નામે ખાલી તમાશો કરવો છે? આ સિવાય બીજા હજારો કેસમાં લોકો એક શહેરથી બીજા શહેરમાં જતા હોય છે અને કોર્ટમાં હાજરી પૂરતા હોય છે અને એની સામે જજ ફક્ત એક જ મિનિટમાં નવી તારીખ આપી દે છે, આવી રીતે આખા રાજ્યમાં હજારો લોકો કોર્ટે જવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરે છે અને ડીઝલ વાપરે છે પરંતુ એક જ મિનિટમાં આ કરોડો રૂપિયાનું ડીઝલ બળી જાય છે. તો આ તમામ કેસમાં લોકો વિડિયો કોન્ફરન્સથી ઘરે બેઠા બેઠા તારીખ ભરે તો સમય પણ બચે, પર્યાવરણ પણ બચે અને પેટ્રોલ ડીઝલની પણ બચત થાય એમ છે. સરકારી કામો ઘરે બેઠા ઓનલાઈન થવા લાગે તો અબજો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ બચવાની સાથે સાથે સમય પણ બચશે અને પર્યાવરણ પણ બચશે. પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો બીજા 500 રસ્તા છે. રાજ્યમાં મોટા મોટા હાઇવે બને છે એમનું કામકાજ પાંચ દસ વર્ષ સુધી ચાલે છે, દસ વર્ષ સુધી ટ્રાફિક જામ થાય છે અને કરોડ રૂપિયાનું પેટ્રોલ ડીઝલ બગડે છે. એક ટાઇમ લિમિટમાં રોડ બનાવવાનું કામ પણ પૂરું કરી શકતા નથી અને પેટ્રોલ ડીઝલ બચાવવા માટે નીકળી પડ્યા છો. રોડ-રસ્તા,ગટર, નાળા જો ટાઈમ પર બની જાય તો પણ કરોડોનું પેટ્રોલ ડીઝલ બચી શકે એમ છે અને આવા રસ્તાઓ અપનાવવાની જગ્યાએ ભાજપે સ્ટંટનો રસ્તો અપનાવ્યો.
આમ આદમી પાર્ટી ગુજરાત