મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લામાં આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત જન સેવા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ અધ્યક્ષતામાં એક ભવ્ય અને પ્રેરણાદાયી જિલ્લા કક્ષાના 'આંગણ ઉત્સવ' મહાસંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, આંગણવાડી કાર્યકરો અને પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લામાં આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા : વિકસિત ભારત-જન સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાનો ‘આંગણ ઉત્સવ’ જિલ્લા પંચાયત ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના માન. રાજ્ય મંત્રીશ્રી તથા નર્મદા જિલ્લાના માન. પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના બાળકોના પોષણ અને આરોગ્યની સતત ચિંતા કરી રહી છે. બાળકોને નિયમિતપણે પોષણયુક્ત અને સંતુલિત આહાર મળે તે માટે આંગણવાડી કેન્દ્રો મારફતે વિવિધ પોષણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે તેઓ સ્વચ્છ, સ્વસ્થ અને સુપોષિત રહેશે તો શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કુલ 955 આંગણવાડી કેન્દ્રોમાં 0 થી 6 વર્ષના 34,482 બાળકો આંગણવાડીની સેવાઓનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત 3,498 સગર્ભા મહિલાઓ, 2,365 ધાત્રી માતાઓ અને 8,940 કિશોરીઓને સરકાર દ્વારા પોષણયુક્ત ટેક હોમ રાશન સહિતની પોષણલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નર્મદા જિલ્લો ડ્રોપઆઉટ રેશિયોમાં પ્રથમ ક્રમે રહ્યો છે તેવી જ રીતે જિલ્લો સુપોષિતતાના ક્ષેત્રમાં પણ પ્રથમ ક્રમે આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટેકરા ફળિયા-3ના લાભાર્થીઓને ટેક હોમ રાશન, બાળકોને ફળ અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના તંદુરસ્ત બાળક સ્પર્ધાના વિજેતા બાળકોને પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માન. મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશપત્રો પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી અને ઇ.ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શ્રી જનકકુમાર માઢક દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ‘આંગણ ઉત્સવ’ના આયોજન અને હેતુ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ વેળાએ રાજપીપળાના ટેકરા ફળિયા-3 આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓ દ્વારા આંગણવાડી કેન્દ્ર મારફતે મળતી સેવાઓ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા.

આંગણ ઉત્સવ બાદ ટેકરા ફળિયા-3 આંગણવાડી કેન્દ્રની મુલાકાત ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમ બાદ નર્મદા જિલ્લાના માન. પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે રાજપીપળા સ્થિત ટેકરા ફળિયા-3 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. 

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ લાભાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોષણયુક્ત આહારનું નિરીક્ષણ કરી તેનો સ્વાદ માણ્યો હતો. તેમજ આંગણવાડીના બાળકોને પોતાના હસ્તે ફળ અને લાડુ ખવડાવી બાળકો સાથે સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના માન. પ્રમુખશ્રીમતી અંજનાબેન વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા, રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી શિવાનાબેન મહેતા, આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારી-કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગરો, આશા વર્કરો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: નર્મદા જિલ્લા ગુજરાત રાજ્ય આંગણ ઉત્સવ જન સેવા અભિયાન

સંબંધિત સમાચાર