મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ રક્તદાન કેમ્પ

રાજ્યવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન-બે હજાર છવ્વીસ' અંતર્ગત નર્મદા જિલ્લામાં 'સેવા મેરા યોગદાન' ના સંકલ્પ સાથે વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમોનો આરંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે ગુરુવારે નર્મદા જિલ્લાના વિવિધ સ્થળોએ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નર્મદા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ રક્તદાન કેમ્પ

રાજપીપલા : સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત *‘સેવા મેરા યોગદાન’*ના સંકલ્પ સાથે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નર્મદા જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, GMERS મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી GMERS મેડિકલ કોલેજ-રાજપીપલા, રેડક્રોસ સોસાયટી-રાજપીપલા અને SDH-દેડિયાપાડા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. રેડક્રોસ સોસાયટી ખાતે નાંદોદના માન. ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢકની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જ્યારે GMERS મેડિકલ કોલેજ ખાતે કોલેજના ડૉ. મનીષ મહેતા અને નાયબ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હેતલ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરાયો હતો.   

આ રક્તદાન કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો, અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાન કરનાર દાતાઓએ માનવસેવાના આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપી *‘સેવા મેરા યોગદાન’*ના સંકલ્પને સાકાર કર્યો હતો.

રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે સમયસર રક્ત ઉપલબ્ધ થાય તે માટે રક્તદાનનું વિશેષ મહત્વ છે. એક સ્વૈચ્છિક રક્તદાન જરૂરિયાતમંદ દર્દી માટે જીવનરક્ષક બની શકે છે. આ સંદર્ભે નાગરિકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ અને સેવાભાવ વધે તે હેતુથી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ દ્વારા સમાજના દરેક વર્ગને સેવાકાર્યો સાથે જોડાવા અને પોતાની ક્ષમતા તથા સમય અનુસાર સમાજહિતમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યો છે. 

નર્મદા જિલ્લામાં પણ અભિયાન અંતર્ગત વિવિધ સેવાલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા જનભાગીદારી સાથે સેવા અને સંકલ્પની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Tags: રાજપીપલા નર્મદા જિલ્લા સેવા સંકલ્પ અભિયાન

સંબંધિત સમાચાર