રાજપીપલા : જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા માય ભારત સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકની શરૂઆતમાં માય ભારતના ડીવાય. ડાયરેક્ટર શ્રી પંકજ યાદવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માય ભારત અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધી કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે આગામી સમયગાળામાં હાથ ધરાનારી પ્રવૃત્તિઓ અને આયોજન અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં જણાવ્યું કે, માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ માય ભારત પોર્ટલ પર દેશભરમાં 5 કરોડ યુવાનોની નોંધણી કરવાનો રાષ્ટ્રીય લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાંથી પણ વધુને વધુ યુવાનોની નોંધણી થાય. આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો તથા સંબંધિત વિભાગોએ સંકલિત પ્રયાસો કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આપદા મિત્ર તાલીમ કાર્યક્રમ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ, માય ભારત લીડરશીપ બૂટકેમ્પ સહિતની વિવિધ યુવા વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, દરેક બ્લોકમાંથી માય ભારત સાથે કાર્ય કરવા માટે બે સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે અને પસંદગી પામેલા સ્વયંસેવકોને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, માય ભારત નોંધણી અભિયાન, ઉત્તમ સંકલન તથા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોલેજ, આઈટીઆઈ અથવા શાળાને સન્માનિત કરવાનો પ્રસ્તાવ પણ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતા મર્યાદિત ન રહે પરંતુ તેમની નેતૃત્વ ક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક જવાબદારીનું નિર્માણ થાય તે માટે માય ભારતની વિવિધ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જોડાય તે જરૂરી છે. તેમણે ઉપસ્થિત સલાહકાર સમિતિના સભ્યોને પોતાના કાર્યક્ષેત્રમાં યુવાનોને માય ભારત સાથે જોડાવવા અને નોંધણી અભિયાનને સફળ બનાવવા સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં માય ભારતના આગામી કાર્યક્રમોને અસરકારક રીતે અમલમાં મૂકવા, વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા તેમજ જિલ્લાના વધુમાં વધુ યુવાનોને આ અભિયાન સાથે જોડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વાય. એસ. ચૌધરી સહિત માય ભારત જિલ્લા સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.