મુખ્ય સામગ્રી પર જાઓ

નશા મુક્તિ કેન્દ્રના દર્દીના પેટમાંથી નીકળ્યા 29 ચમચા અને 19 ટૂથબ્રશ!

ગાઝિયાબાદના ડી-એડિક્શન સેન્ટરમાં 35 વર્ષીય દર્દીના પેટમાંથી 29 ચમચા અને અન્ય વસ્તુઓ સર્જરી કરીને બહાર કાઢવામાં આવી. વાંચો આ ચોંકાવનારા કિસ્સાની સંપૂર્ણ વિગત.

નશા મુક્તિ કેન્દ્રના દર્દીના પેટમાંથી નીકળ્યા 29 ચમચા અને 19 ટૂથબ્રશ!

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક નશા મુક્તિ કેન્દ્રમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 35 વર્ષીય સચિન નામના યુવકે ગુસ્સામાં આવીને તેના પેટમાં 29 સ્ટીલના ચમચા, 19 ટૂથબ્રશ અને 2 પેન ગળી લીધા હતા. આ ઘટસ્ફોટ પેટમાં દુખાવો થતા સર્જરી દરમિયાન થયો, જેના કારણે સમગ્ર દેશમાં ડી-એડિક્શન સેન્ટરોની કામગીરી પર સવાલો ઊભા થયા છે. હાપુરનો રહેવાસી સચિન, જેને તેના પરિવાર દ્વારા આ કેન્દ્રમાં મૂકવામાં આવ્યો હતો, તે ત્યાં અપૂરતા ખોરાક અને ખરાબ વ્યવસ્થાથી ગુસ્સે હતો.

કેન્દ્રમાં કેવી રીતે કરતો હતો આ કૃત્ય?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સચિને જણાવ્યું કે, "દિવસ દરમિયાન અમને ખૂબ જ ઓછી શાકભાજી અને થોડી ચપાતી આપવામાં આવતી. જો ઘરેથી કંઈ આવે તો પણ મોટાભાગનું અમારા સુધી પહોંચતું નહોતું. ક્યારેક તો એક દિવસમાં ફક્ત એક બિસ્કિટ જ મળતી." ભૂખ અને ગુસ્સાના કારણે સચિન સ્ટીલના ચમચા ચોરી કરતો, બાથરૂમમાં જઈને તેને તોડીને મોઢામાં નાખી દેતો, અને પાણી પીને તેને ગળા નીચે ઉતારી દેતો. આ કૃત્ય કેટલાક સમય સુધી ચાલુ રહ્યું, જેના કારણે તેના પેટમાં ભયંકર દુખાવો શરૂ થયો.

પેટમાં દુખાવો થતા સામે આવ્યું સત્ય

જ્યારે સચિનને પેટમાં સખત દુખાવો થયો ત્યારે તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. એક્સ-રે અને સીટી સ્કેન કરાવતા તેના પેટમાં ચમચા, ટૂથબ્રશ અને પેન જેવી વસ્તુઓ દેખાઈ, જે જોઈને ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા. શરૂઆતમાં એન્ડોસ્કોપી દ્વારા આ વસ્તુઓ કાઢવાનો પ્રયાસ થયો, પરંતુ પેટમાં વધુ પડતી વસ્તુઓ હોવાથી તે નિષ્ફળ રહ્યો. આખરે, સર્જરી કરીને તમામ વસ્તુઓ બહાર કાઢવામાં આવી. સચિનનું ઓપરેશન કરનાર ડૉ. શ્યામ કુમારે જણાવ્યું કે, "આવી સમસ્યાઓ માનસિક બીમારીથી પીડાતા લોકોમાં અવારનવાર જોવા મળે છે." આ ઘટનાએ નશા મુક્તિ કેન્દ્રોમાં દર્દીઓની સારવાર અને સુવિધાને લગતા ગંભીર મુદ્દાઓને સામે લાવી દીધા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર