રાજપીપલા :ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અને રાષ્ટ્રીય ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના ધાબા ગ્રાઉન્ડ ખાતે 'રાષ્ટ્રીય ખેલ દિવસ'ની શાનદાર ઉજવણી કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, મેજર ધ્યાનચંદજીનું જીવન અને રમત ક્ષેત્રની સિદ્ધિઓ દેશના દરેક ખેલાડી માટે પ્રેરણાસ્ત્રોત છે. શિક્ષણ સાથે રમતનું મહત્વ સમજાવતા તેમણે ઉમેર્યું કે, “ગુજરાતમાંથી શરૂ થયેલો ખેલ મહાકુંભ ગામડાંના ખેલાડીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે.”
તેમણે ખેલાડીઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે, તિરંદાજી જેવા ક્ષેત્રોમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આપણે કોઈથી ઉતરતા નથી, દરેક ખેલાડી આગવું સ્થાન મેળવી શકે છે. તેથી જ નર્મદા જિલ્લો રમતક્ષેત્રમાં નવી ઊંચાઈ સર કરે તે માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
નર્મદા જિલ્લાના ખેલાડીઓ જેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં સફળતા મેળવી નર્મદા જિલ્લાનું નામ ગૌરવ વધાર્યું છે, તેમનું મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્રિદિવસીય ઉજવણીના પ્રથમ દિવસે કબડ્ડી, રસ્સાખેંચ અને ટેકવોન્ડોની રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી માત્ર કાર્યક્રમ જ નહીં પરંતુ યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ, ફિટ ઈન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રપ્રેમની લાગણીને વધુ પ્રબળ બનાવતી સાબિત થઈ છે.
આ પ્રસંગે નાંદોદના પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દિનેશભાઈ ભીલ, શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના આચાર્યશ્રી, જિલ્લા રમત સંકુલના કોચિસ તેમજ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


