મુખ્ય સામગ્રી પર જાઓ

નવસારી: પાણીખડક ગામે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાત્રિસભા, ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

નવસારીના પાણીખડક ગામે યોજાઈ રાત્રિસભા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે સંવાદ કરી વિકાસકામોની સમીક્ષા કરી.

નવસારી: પાણીખડક ગામે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાત્રિસભા, ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

નવસારી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ દિવસની રાત્રિએ ખેરગામ તાલુકાના પાણીખડક ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વર્ષાજળની બચત, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા વિષયો ઉપર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોની સમસ્યાઓ જાણી તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચના આપી

 

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પાણીખડક ગામને સ્વચ્છ બનાવવા દરેક ગ્રામજનને પોતાના ઘરની જેમ ગામની શેરી, ફળિયું અન્ય જાહેર વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી ગામને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. આ સાથે જ માત્ર વૃક્ષોરોપણ નહીં, પરંતુ વૃક્ષોનું જતન અને માવજત કરવા પણ ખાસ સૂચન કર્યું હતું. 

 

રાજ્યપાશ્રી ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પો “એક પેડ મા કે નામ”, "સ્વચ્છતા અભિયાન" જેવા જનલક્ષી સંકલ્પોમાં દરેક નાગરિક ફાળો આપે તે જરૂરી છે. આજના દોડધામ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યને જાળવી રાખવા રાજ્યપાલશ્રીએ દરેક પરિવારના વડીલોને ખૂદ તમાકુ, ગુટકા જેવા વ્યસનોથી દુર રહેવા તથા પોતાના બાળકોને દૂર રાખવા સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ઝેરમુક્ત ખેતી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ત્યારે તેને અપનાવવા તેમજ સ્વસ્થ જીવન જીવવા પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા અનુરોધ કર્યો હતો.

 

આ પ્રસંગે તેમણે ગ્રામજનોને ભુગર્ભ જળને વધારવા વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું હતું. ખેડૂતોને તેમણે ખેતી સાથે અન્ય આવક વધારવા પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંવર્ધન કરવા ખાસ સૂચન કર્યું હતું.

 

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી ભારતની આવતી કાલ છે તેથી તેમણે માતા-પિતા તથા વડીલોને બાળકોને સંસ્કારી બનાવવા તથા મોબાઈલ- ટીવી વગેરેથી દૂર રાખીને માત્ર ઉચ્ચ શિક્ષણ નહી પરંતુ કોઈપણ સ્કિલ્ડ કોર્ષ કરાવવા અનુરોધ કર્યો હતો. 

 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રીએ જનજાતિય કલ્યાણ યોજનાની જાહેરાત કરી માત્ર ગુજરાતની આદિવાસી જનતા માટે રૂ. બે લાખ કરોડ મંજૂર કર્યા છે. જે ઉમરગામથી અંબાજી સુધીમાં આદિજાતિ બેલ્ટના વિકાસમાં આમૂલ પરિવર્તન લાવશે.

 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિકાસ અને સમૃદ્ધિની આકાંક્ષા જ ગુજરાત 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭' નું વિઝન સાકાર કરવામાં મદદરૂપ થશે. ગ્રામજનોની પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓ પૂરી કરવામાં કોઈ અડચણ આવતી હોય તો તેના નિવારણ માટે તેમણે તત્પરતા દર્શાવી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

 

ગામના ખેડૂતોને સંબોધતા તેમણે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી 'પ્રાકૃતિક કૃષિ' અપનાવવા અને ખેતીની સાથે પશુપાલન દ્વારા આવક વધારવા અપીલ કરી હતી.

 

આ ગ્રામસભામાં આ પ્રસંગે જિ. પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્વપ્નીલ એમ સિસલે, નાયબ વન સંરક્ષક સુશ્રી ઉર્વશી પ્રજાપતિ, પદાધિકારી-અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સરપંચ, ખેતીવાડી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

સંબંધિત સમાચાર