મુખ્ય સામગ્રી પર જાઓ

નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતનાં સૌથી મોટા ઇમ્પેક્ટ ફંડ પૈકીનું એક રૂ. 2,000 કરોડનું ઇમ્પેક્ટ વેન્ચર ફંડ પ્રસ્તુત કર્યું

નેક્સ્ટ ભારત વેન્ચર્સ (Next Bharat Ventures) દ્વારા રૂ. 2,000 કરોડના નવા 'ઇમ્પેક્ટ વેન્ચર ફંડ'ની જાહેરાત એ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આ પહેલ ખાસ કરીને ગ્રામીણ ભારત અને વંચિત સમુદાયોના ઉત્થાન માટે કામ કરતા સાહસિકોને મોટી રાહત અને પ્રોત્સાહન પૂરું પાડશે.

નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતનાં સૌથી મોટા ઇમ્પેક્ટ ફંડ પૈકીનું એક રૂ. 2,000 કરોડનું ઇમ્પેક્ટ વેન્ચર ફંડ પ્રસ્તુત કર્યું

નેક્સ્ટ ભારત વેન્ચર્સ IFSC પ્રાઇવેટ લિમિટેડે આજે રૂ. 2000 કરોડનું પોતાનું બીજું ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે તેને ભારતમાં સૌથી મોટું ઇમ્પેક્ટ-ફોકસ્ડ (ગ્રામીણ ભારત અને શહેરી વંચિત સમુદાયોના જીવનને પ્રભાવિત કરવા પર કેન્દ્રીત)માંથી એક બનાવે છે. આ બીજું ફંડ નેક્સ્ટ ભારતને “ઇમ્પેક્ટ આંતરપ્રિન્યોર્સ” (સમાજમાં સકારાત્મક અસર કરતા ઉદ્યોગસાહસિકો)ની મદદ કરવા એની ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. ઇમ્પેક્ટ આંતરપ્રિન્યોર્સ એવા ઉદ્યોગસાહસિકો છે, જેઓ ગ્રામીણ ભારત અને શહેરોમાં વંચિત સમુદાયોનાં જીવનની ગુણવત્તા અને સતત આજીવિકાની ગુણવત્તા વધારવા કાર્યરત છે.

 

નેક્સ્ટ ભારત વેન્ચર્સ 2 વર્ષ જૂની કંપની છે, જે કૃષિ, ગ્રામીણ પુરવઠાની સાંકળ, નાણાકીય સર્વસમાવેશકતા, ગ્રામીણ પરિવહન અને સામાજિક હિત માટે AI જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. આ પહેલ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047 અંતર્ગત ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે ગાઢ રીતે સુસંગત છે, જે સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરતા, ખેડૂતોની આવકમાં વધારો કરતા, ગ્રામીણ મૂલ્ય સાંકળને મજબૂત કરતા અને મહિલા-સંચાલિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા ઉદ્યોગસાહસોને ટેકો આપે છે.

 

આ બીજા ફંડની પ્રસ્તુતિ નેક્સ્ટ ભારતના પ્રથમ રૂ. 340 કરોડના ફંડની સફળતા પર આધારિત છે, જેણે ગ્રામીણ અને અનૌપચારિક અર્થતંત્રોમાં અબજો ભારતીયોની વાસ્તવિક સમસ્યાઓનું સમાધાન કરતા ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને આગળ વધારવા માટે લાંબા ગાળા સુધી ધૈર્ય સાથે રોકાણ કરવાની રીત કેટલી અસરકારક છે એ દર્શાવ્યું હતું. અત્યાર સુધી નેક્સ્ટ ભારતે 50થી વધારે ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપને ટેકો આપ્યો છે અને મૂડી, માર્ગદર્શન અને ઇકોસિસ્ટમને સપોર્ટ સ્વરૂપે તેમાંથી 20થી વધારે સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. તેમાંથી ઘણા સ્ટાર્ટઅપે જાપાનની કંપનીઓ સાથે વ્યાવસાયિક પ્રાયોગિક પ્રોજેક્ટ પણ શરૂ કર્યા છે.

 

આ ફંડની જાહેરાત પર નેક્સ્ટ ભારત વેન્ચર્સના સ્થાપક અને સીઇઓ તથા IIT હૈદરાબાદના પૂર્વ વિદ્યાર્થી વિપુલ જિંદાલ નાથે કહ્યું હતું, "અમારું પ્રથમ ફંડ એ વાતનો પુરાવો છે કે, ઇમ્પેક્ટ એટલે કે મોટા પાયે સમાજમાં અસર અને વ્યવસાય એકસાથે સહ-અસ્તિત્વ ધરાવી શકે છે તથા આજીવિકા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવનસ્તરને આધારે મજબૂત વ્યવસાય ઊભો કરી શકાય છે અને તેને આગળ વધારી શકાય છે. અમારા ઇમ્પેક્ટ સ્થાપકો ઇનોવેટર છે, જેઓ પાયાના સ્તરે પરિવર્તનનો પવન ફૂંકવાની સાથે વ્યવસાયિક પરિણામ પણ સુનિશ્ચિત કરે છે. અમારી પોર્ટફોલિયો કંપનીઓમાંથી 90 ટકાથી વધારે પ્રારંભિક વર્ષોમાં જ નફાકારકતા તરફ આગેકૂચ કરી રહી છે.

 

હું તમામ નવા સ્થાપકોનો પ્રોત્સાહન આપું છું કે તેઓ પોતાનું આગામી સ્ટાર્ટઅપ એવું બનાવે, જે વાણિજ્યિક મૂલ્યનું સર્જન કરવાની સાથે આપણી ગ્રામીણ અને અનૌપચારિક સમુદાયોની કોઈ સામાજિક સમસ્યાનું ઊંડાણપૂર્વક સમાધાન પણ કરે, કારણ કે એ જ ભારતની સાચી ઓળખ છે. જો તમે કોઈ મોટી અસર પેદા કરશો, તો હું ખાતરી આપું છું કે, વાણિજ્યિક વળતર પણ જરૂર મળશે.”

 

સુઝુકી મોટર કૉર્પોરેશનના પ્રતિનિધિ ડિરેક્ટર અને પ્રેસિડન્ટ તોશિહિરો સુઝુકીએ કહ્યું હતું, “ભારતમાં જાપાનનું રોકાણ હંમેશાં ભારતની ક્ષમતા પર સહિયારા વિશ્વાસ પર ટક્યું છે અને આપણી ચાર દાયકા જૂની ભાગીદારીથી વધારે શ્રેષ્ઠ આનું બીજું કોઈ ઉદાહરણ ન હોઈ શકે. સૌથી મોટો વારસો ફક્ત કાર નથી, પરંતુ તેમાંથી ઊભા થયેલા વ્યવસાયો છે – તેમાં સામાન્ય દુકાનો મોટી ડીલરશિપ બની ગઈ, રિપેર વર્કશોપ આગળ જઈને ઓટો-પાર્ટ્સ સપ્લાયર બની ગઈ અને એક સપ્લાયરે આગેકૂચ કરીને સંપૂર્ણ SME ઇકોસિસ્ટમ ઊભી કરી. આ રીતે અમે સમગ્ર ભારતમાં અંદાજે 3,000થી વધારે ઉદ્યોગસાહસિકો ઊભા કર્યા છે, જે દરેક જગ્યાએ સ્થાનિક રોજગારી અને આજીવિકાનો સ્રોત બન્યા છે. ફંડ II સાથે અમે આ કટિબદ્ધતાને વધારે મજબૂત કરી છે અને ભારત સરકાર સાથે મળીને ખરેખર આત્મનિર્ભર ભારત તરફ આગેકૂચ કરવામાં અમને ગર્વ છે.”

 

2024માં સ્થાપિત નેક્સ્ટ ભારત વેન્ચર્સ મૂડીરોકાણથી આગળ વધીને સ્થાપકોને સંપૂર્ણ સપોર્ટ ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે. એનો મુખ્ય 10-દિવસનો રેસિડન્સી પ્રોગ્રામ માર્ગદર્શન, નેટવર્ક અને રૂ. 1 કરોડથી રૂ. 5 કરોડ સુધીના ઇક્વિટી રોકાણ સાથે પ્રાથમિક તબક્કાના ઉદ્યોગસાહસિકોને ટેકો આપે છે, જેથી તેમને તેમનો વ્યવસાય સાતત્યપૂર્ણ બનાવવા અને એને વધારવામાં મદદ મળી શકે. સાથે સાથે, વ્હાય ક્લબ એમાં પૂરક છે, જે નેક્સ્ટ ભારતે શરૂ કરેલું સ્થાપકોનું સામુદાયિક જૂથ છે. આ સાથસહકાર, ફંડિંગ અને લાંબા સમય સુધી ટેકો આપે છે, જેથી અસરકારક કામ કરતા ઉદ્યોગસાહસિકો પોતાનો વ્યવસાય ટકાવી શકે અને આગળ વધારી શકે.

 

રૂ. 2000 કરોડનું બીજું ફંડ નેક્સ્ટ ભારતની રોકાણક્ષમતામાં નોંધપાત્ર રીતે વધારો કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં નેક્સ્ટ ભારતે અનેક પ્રતિભાશાળી  ગ્રામીણ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે, જેમાં શામેલ છે – સાચી ભારતીય લોકકળાનું માર્કેટપ્લેસ MeMeraki (મેમેરાકી); સાયકલ અને રિક્ષા માટે વાજબી ઈ-મોબિલિટી કિટ આપતું ગ્રામીણ મોબિલિટી ફંડ E-Bik (ઈ-બિક); નાના ખેડૂતો માટે વાજબી દરે મશીનીકરણની સુવિધા આપતી બ્રાન્ડ - SGB એગ્રો અને ભારતમાં સૌથી મોટું PwD આજીવિકા પ્લેટફોર્મ એટીપિકલ એડવાન્ટેજ. તેમાંથી ઘણી સફળ બ્રાન્ડ અને વ્યવસાય બની ગયા છે, જેણે વાણિજ્યિક સફળતા મેળવવાની સાથે જે સમુદાયમાં કામ કરે છે એની પર સકારાત્મક અસર ઊભી કરી છે.

Tags: Next Bharat Ventures સ્ટાર્ટઅપ નેક્સ્ટ ભારત વેન્ચર્સ ઇમ્પેક્ટ વેન્ચર ફંડ

સંબંધિત સમાચાર