રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ અર્થે રાજ્યના પૌરાણિક તેમજ ધાર્મિક સ્થાનોમાં વિકાસ કાર્યો માટે નવી પ્રોત્સાહક જોગવાઈ અમલમાં મૂકી છે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર.આર રાવલના જણાવ્યા મુજબ ધાર્મિક અને પૌરાણિક એવા ધર્મસ્થાનો તથા રાજ્ય સરકાર હસ્તકના યાત્રાધામોનો વિવિધ કક્ષામાં વર્ગીકૃત કરી આંતર માળખાકીય સુવિધાઓ અને સોલર ઉર્જાનો કામો હવે વધુ સુગમતાથી થઈ શકશે.
'અ' કક્ષાના યાત્રાધામોની સિવિલ અને વીજળીકરણના કામોની જૂની જોગવાઈ રૂપિયા ૦૧ કરોડની હતી જેમાં બમણો વધારો કરી નવી જોગવાઈ પ્રમાણે રૂપિયા ૦૨ કરોડ તેમજ સોલર ઊર્જાના કામો માટેની જૂની જોગવાઈ રૂપિયા ૨૦ લાખની હતી, જે વધારીને નવી જોગવાઈ પ્રમાણે રૂપિયા ૪૦ લાખ કરવામાં આવ્યા છે. આ જ રીતે કક્ષા 'બ' માટે સિવિલ અને વીજળીકરણના કામો માટે રૂપિયા ૫૦ લાખની જૂની જોગવાઈમાં વધારો કરી, નવી જોગવાઈ પ્રમાણે ૦૧ કરોડ રૂપિયા તથા સોલર ઉર્જાના કામો માટે જૂની જોગવાઈ પ્રમાણે રૂપિયા ૧૦ લાખમાં વધારો કરી નવી જોગવાઈ પ્રમાણે રૂપિયા ૨૦ લાખ કરવામાં આવ્યા છે. તેમજ કક્ષા 'ક' માટે જૂની જોગવાઈ પ્રમાણે સિવિલ અને વીજળીકરણના કામો માટે રૂપિયા ૨૦ લાખથી વધારી નવી જોગવાઈ પ્રમાણે રૂપિયા ૫૦ લાખ તથા સોલર ઉર્જાના કામો માટે રૂપિયા ૦૫ લાખમાં વધારો કરી રૂપિયા ૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યા મુજબ રાજ્યમાં આવેલ અનુસૂચિત જાતિના સમાજના યાત્રાધામો અને અનુસૂચિત જનજાતિ સમાજના યાત્રાધામો માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ સમાજના ધર્મસ્થાનો વિકાસથી વંચિત ન રહી જાય તે બાબત ધ્યાને રાખી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સર્વે સમાજની લાગણી લક્ષ્માં રાખી અગાઉ જે ૨૦% લોકફાળાની રકમ ભરવાની થતી હતી તે હવેથી ફક્ત ૧૦%ની લોકફાળાની રકમ જમા કરાવી વિવિધ વિકાસ કાર્યો હાથ ધરી શકાશે.
અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સમાજ સિવાયના સમાજ માટે અગાઉ જે 30% લોકફાળાની રકમ હતી તે નવી જોગવાઈ પ્રમાણે હવે ૨૦% કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે રાજ્યના ધર્મસ્થાનના વિકાસ માટેની ઉદાર જોગવાઈઓ લાગુ કરતા રાજ્યની ધર્મપ્રેમી જનતામાં ઉત્સાહ જોવા મળ્યો છે જ્યારે આ નિર્ણય થકી રાજ્યના સર્વ સમાજ, પંથ, સંપ્રદાયના ધર્મસ્થાનોનો વિકાસ વધુ વેગવાન બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.