મુખ્ય સામગ્રી પર જાઓ

પંજાબ સરકારની યોજના બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું: AAP મહિલા મોરચાના સવાલ

પંજાબમાં AAP સરકારે મહિલાઓ માટે 'સન્માન રાશિ' (₹1000-₹1500) યોજના શરૂ કરી છે. તો ગુજરાતમાં કેમ નહીં? સુરત ખાતે પાયલ સાકરીયા અને AAP મહિલા મોરચાની ટીમે સરકારને સીધો સવાલ કર્યો છે.

પંજાબ સરકારની યોજના બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું: AAP મહિલા મોરચાના સવાલ

અમદાવાદ  : આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના મહિલા મોરચા દ્વારા મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રચનાબેન હીરપરા, પ્રદેશ મહિલા ઉપપ્રમુખ કાજલ ઘોઘારી અને પ્રદેશ મહિલા સંગઠન મંત્રી મોનિકા સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આપણું ગુજરાત રાજ્ય સમૃદ્ધ અને સુરક્ષિત હોય એવું આપણે સપનું જોતા હોઈએ છીએ, જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે અને મહિલાઓ માટે તમામ પ્રકારના કામ થાય એવું સપનું જોતા હોઈએ છીએ, પરંતુ હાલમાં જ હકીકત એકદમ અલગ છે. ગુજરાતમાં વારંવાર એવા અસંખ્ય કિસ્સાઓ બને છે જ્યાં મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલ ઊભા થાય છે. હાલ ગુજરાતમાં લાખો મહિલાઓ અસુરક્ષા વચ્ચે જીવી રહી છે. જ્યારે બીજી બાજુ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા આજથી મહિલાઓને સન્માન રાશિ આપવાની શરૂ કરવામાં આવી છે. એટલે કે આજથી દરેક મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા આપવામાં આવશે અને જે SC સમાજની મહિલાઓ હશે તેમને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે.

વધુમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આપણા મનમાં એક સવાલ ઉભો થાય છે કે જો પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર મહિલાઓને સન્માન રાશિ આપી શકે છે તો ગુજરાતની સરકાર કેમ નથી આપી શકતી? પંજાબની મહિલાઓનો સરકાર બનાવવામાં જેટલો ફાળો છે એટલો જ ફાળો ગુજરાતની મહિલાઓનો પણ ગુજરાતમાં સરકાર બનાવવાનો છે. સભાઓમાં બોલાવવા માટે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે, મહિલાઓ પાસે તાળીઓ પડાવવામાં આવે છે, આ રીતે મહિલાઓનો ઉપયોગ થાય છે. પરંતુ મહિલાઓ માટે વિચારતી સરકાર ક્યાં છે? આજે અમે મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરીશું તો ભાજપના નેતાઓ કહેશે કે “ગુજરાતની જનતાને રેવડી પસંદ નથી” પરંતુ વાસ્તવિકતા એ છે કે ભાજપના જે નેતાઓ ધારાસભ્ય બનીને બેઠા છે તેઓ ગુજરાતના લોકોના ટેક્સના પૈસે એશોઆરામ કરે છે. એ લોકોને જે MLA ક્વાર્ટર મળ્યા છે એ પણ જનતાના પૈસે મળ્યા છે, જનતાના પૈસે એ લોકોની ગાડીમાં પેટ્રોલ નખાય છે, એમનો મેડિકલનો અને મુસાફરીનો ખર્ચ પણ જનતાના પૈસે આપવામાં આવે છે, બીજી બાજુ જ્યારે લોકોની સુવિધાની વાત કરવામાં આવે, ત્યારે જનતાને માત્રને માત્ર મોંઘવારી અને બેરોજગારી આપવામાં આવે છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, મહિલા સન્માન, નારી સુરક્ષા, નારી સશક્તિકરણના સુત્રો માત્રને માત્ર પોસ્ટરોમાં જ નહીં પરંતુ હકીકતમાં પણ જોવા મળવા જોઈએ. પોસ્ટરમાં આત્મનિર્ભર લખી દેવાથી કોઈ આત્મનિર્ભર નથી બનતું. ખરા અર્થમાં મહિલાઓ માટે આર્થિક સહાયની યોજના હોવી જોઈએ. આ નાની એવી આર્થિક સહાયથી મહિલાઓ પોતાના નાના મોટા કામો કરી શકશે. ગુજરાતનું હજારો કરોડનું બજેટ છે, તો એ સમૃદ્ધ બજેટમાંથી મહિલાઓને શું નાનો એવો પણ ભાગ મળી શકે એમ નથી? હું ભાજપના તમામ નેતાઓને સવાલ કરવા માંગુ છું કે જો પંજાબ સરકાર મહિલાઓને સહાય આપી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નથી આપતી? અમે ગુજરાત સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે જે રીતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીની આમ આદમી પાર્ટીની સરકાર પંજાબની મહિલાઓ માટે સન્માન રાશિ આપી શકતી હોય તો ગુજરાતની મહિલાઓ માટે પણ ગુજરાતની ભાજપ સરકારે આવી યોજના લાગુ કરવી જોઈએ, ગુજરાતી મહિલાઓને સન્માન આપવું જોઈએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: AAP GUJARAT Gujarat News GujaratPolitics WomenEmpowerment Mahila Samman Rashi PayalSakariya PunjabModel Gujarat Women

સંબંધિત સમાચાર