મુખ્ય સામગ્રી પર જાઓ

પીઇએફઆઈ દ્વારા મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ૨.૦ અંતર્ગત ઉજવણી

વડોદરા: ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PEFI) દ્વારા સમગ્ર દેશમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ૨.૦ અંતર્ગત રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વડોદરા ખાતે વિશેષ ખેલાડીઓ માટે વિશેષ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

પીઇએફઆઈ દ્વારા મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ૨.૦ અંતર્ગત ઉજવણી

ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PEFI) દ્વારા સમગ્ર દેશમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ 2.0 અંતર્ગત રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. PEFI ગુજરાત ચેપ્ટર દ્વારા ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાં 125થી વધુ સ્થળોએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25,000થી વધુ ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.

આ ઉજવણીના ભાગરૂપે વડોદરા ખાતે સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત-વડોદરા સાથે મળીને કિલ્લોલ સ્પેશિયલ સ્કૂલ દ્વારા આણંદ વિદ્યાવિહાર સ્કૂલ, વડોદરા ખાતે વિશેષ ખેલાડીઓ માટે બોચી (Bocce) રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં 20 વિવિધ સંસ્થાઓ અને સ્પેશિયલ સ્કૂલોના 150થી વધુ વિશેષ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાને ત્રણ વયજૂથમાં વિભાજિત કરવામાં આવી હતી, જેમાં 8થી 15 વર્ષ, 16થી 21 વર્ષ તથા 21 વર્ષથી ઉપરની ઓપન કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિશેષ બાળકોને રમતગમતનું સમાન, સન્માનજનક અને પ્રોત્સાહક પ્લેટફોર્મ મળે, તેમની અંદર રહેલી પ્રતિભાને ઓળખ મળે અને તેઓ આત્મવિશ્વાસ સાથે રમતના મેદાનમાં આગળ વધે તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.

આ પહેલ માત્ર એક રમતગમત સ્પર્ધા પૂરતી સીમિત નથી, પરંતુ સમાવેશી રમતગમત (Inclusive Sports) અને પાયાના સ્તરે રમતગમતના વિકાસ (Grassroots Sports Development) તરફનું એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલું છે. દરેક બાળકમાં કોઈને કોઈ પ્રતિભા રહેલી હોય છે—જરૂર છે માત્ર તેને યોગ્ય મેદાન, માર્ગદર્શન અને તક આપવાની.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. વિકાશ અગ્રવાલ, જોઈન્ટ સેક્રેટરી, PEFI ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન ડૉ. લક્ષ્મણસિંહ રાઠોડ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મેનેજર, સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત-વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપતાં ડૉ. અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગામે ગામથી વિશેષ બાળકોને શોધી તેમની અંદર રહેલી પ્રતિભાને ઓળખી, તેમને યોગ્ય તાલીમ આપવામાં આવે અને તેમની પ્રતિભાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. તેમણે તમામ વિશેષ ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

આ પ્રસંગે ડૉ. વિકાશ અગ્રવાલે ખેલાડીઓને રાષ્ટ્રીય ખેલ દિવસનું મહત્વ તેમજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જીવન અને રમતગમત ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રમતગમત દ્વારા શારીરિક તંદુરસ્તી, આત્મવિશ્વાસ, શિસ્ત અને ટીમભાવનાનો વિકાસ થાય છે. તેમણે વિશેષ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સ્પર્ધાના આયોજન અને સફળ સંચાલનમાં આણંદ વિદ્યાવિહાર સ્કૂલ, વડોદરાના સ્પોર્ટ્સ ટીચર્સ તથા SVIT NSS Unit, Vasadના સ્વયંસેવકોએ સુંદર અને નોંધપાત્ર કામગીરી કરી હતી તેમજ ખેલાડીઓને જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો.

PEFI દ્વારા આયોજિત મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ 2.0ના સમાપન સમારોહમાં ડૉ. અર્જુનસિંહ રાણા (અધ્યક્ષ, PEFI તથા પૂર્વ વાઇસ ચાન્સેલર, એસ.જી.એસ. યુનિવર્સિટી), દિનેશભાઈ હિંગોરાની (ઇન્ફો સિસ્ટમ), અનિલ પોદ્દાર (ધ્રુવ એન્ટરપ્રાઇઝ), સુનિલ પટેલ (એડમિનિસ્ટ્રેટર, એ.વી.વી., વડોદરા), જયદીપ ચાવડા (સ્પોર્ટ્સ ઓફિસર, એન.ટી.સી.) તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

મેડલ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી વિજેતા ખેલાડીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. PEFI પરિવારના હોદ્દેદારો, સ્પેશિયલ ઓલમ્પિકના ઉપસ્થિત પદાધિકારીઓ તથા સંચાલકોએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Tags: મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ૨.૦ પીઇએફઆઈ

સંબંધિત સમાચાર