મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રીનું આહ્વાન: મહુન્દ્રાના ખેડૂતો સાથે ખાટલે બેસીને સાધ્યો સંવાદ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'બેક ટુ બેઝિક'ના વિચારને ગ્રામીણ સ્તરે વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર તાલુકાના મહુન્દ્રા અને શિવપુરા કંપા ખાતે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના મોડેલ ફાર્મની જાત મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો સાથે ખાટલે બેસીને સહજ સંવાદ સાધ્યો હતો.

પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રીનું આહ્વાન: મહુન્દ્રાના ખેડૂતો સાથે ખાટલે બેસીને સાધ્યો સંવાદ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા બેક ટુ બેઝિકના વિચારને ગ્રામીણ ખેડૂતો સુધી વ્યાપક પણે પહોંચાડવાનો નવતર અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક કૃષિ ફાર્મની પ્રત્યક્ષ મૂલાકાતથી અપનાવ્યો છે.

 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર તાલુકાના મહુન્દ્રા ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ યુવા ખેડૂત અલ્પેશ પટેલના મોડેલ ફાર્મની જાત મૂલાકાત લીધી હતી. તેમણે ગૌશાળામાં ગાયોના રખરખાવ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવવામાં પણ ઊંડો રસ દાખવ્યો હતો.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રાકૃતિક ફાર્મની મૂલાકાત લઈને મહુન્દ્રાના ગ્રામજનો સાથે ખાટલે બેસીને અદના ગ્રામજન જેમ પ્રેરણાદાયી સહજ સંવાદ કર્યો હતો.

 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી ભવિષ્યની પેઢીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ સાચો વિકલ્પ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી થતા ગંભીર રોગો સામે માનવ સ્વાસ્થ્યને બચાવવાનો અને માનવજાત તથા જમીનનું સ્વાસ્થ્ય સુધારવાનો આ સેવા યજ્ઞ છે.

 

જમીનના ઘટતા જતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે જમીનમાં કાર્બનનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી ગયું છે. જમીન અને માનવ શરીર બંનેનું સ્વાસ્થ્ય સુધરે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. તેમણે દરેક નાગરિકને કુદરતી સંસાધનોના સંરક્ષણની જવાબદારી ઉપાડવા અનુરોધ કર્યો હતો.

 

પાણીની અછત અને અનિયમિત વરસાદની સમસ્યાના કાયમી ઉકેલ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા 'અમૃત સરોવર' અને 'ખેત તલાવડી'ના અભિયાનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, સુજલામ સુફલામ જેવી યોજનાઓ અંતર્ગત અગાઉ તળાવો ભરવાની જે મર્યાદા ૩ કિલોમીટરની હતી, તે સરકારે વધારીને હવે ૭ કિલોમીટર કરી દીધી છે.

 

વડાપ્રધાનશ્રીએ શુક્રવારે જ શરૂ કરાવેલી હાઇડ્રોજન ટ્રેનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત આ ક્ષેત્રમાં ક્યાંય પાછું પડે તેમ નથી.

 

મુખ્યમંત્રીશ્રીએ રોજબરોજની  જીવનશૈલીમાં પણ પર્યાવરણ પૂરક બદલાવ લાવવા અપીલ કરી હતી. શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓના વેચાણમાં પ્લાસ્ટિકની કોથળીઓના સ્થાને કાગળની થેલીઓનો ઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગ અને પર્યાવરણ બંનેનો સમાન ખ્યાલ રાખીને સંતુલિત વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

 

આ સંવાદ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના જાત-અનુભવો રજૂ કરીને અન્ય ખેડૂતોને પણ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી, તેમજ કૃષિ વૈજ્ઞાનિકો અને સરકારી અધિકારીઓ તરફથી મળતા સતત માર્ગદર્શનને બિરદાવ્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રીએ શિવપુરા કંપા ખાતે પ્રગતિશીલ ખેડૂત શ્રી શાંતિલાલભાઈ પટેલના મોડલ ફાર્મની મુલાકાત પણ લીધી હતી.

 

આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર સી મીણા, ઇન્ચાર્જ કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસરત જાસ્મિન, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શશિકાંત પટેલ, જિલ્લા બાગાયત અધિકારીશ્રી હેતલબેન અને આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વરમોરા તથા સ્થાનિક અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Tags: પર્યાવરણ સંરક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાકૃતિક ખેતી ગ્રીન એનર્જી Natural Farming Gujarat Back to basics farming Gujarat agricultural schemes CM Bhupendra Patel farm visit Organic farming promotion Gujarat મહુન્દ્રા જમીન સ્વાસ્થ્ય ગાય આધારિત ખેતી સુજલામ સુફલામ યોજના બેક ટુ બેઝિક

સંબંધિત સમાચાર