મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

રાજ્યભરમાં આગામી તા. ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાતમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી 23 ફેબ્રુઆરીથી શરૂ. ₹8000 પ્રતિ ક્વિન્ટલે ખરીદી, 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી. 130 ખરીદ કેન્દ્રો તૈયાર – SMSથી જાણ કરાશે, તમામ નોંધાયેલા ખેડૂતોને લાભ મળશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત – વિગતો જુઓ.

રાજ્યભરમાં આગામી તા. ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થશે  તુવેરની ટેકાના ભાવે ખરીદી: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.

વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે.

વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે તુવેરનો ટેકાનો ભાવ રૂ. ૮,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૬૦૦ પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને આશરે ૧૩૦ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. આ ખરીદ કેન્દ્રો ખાતેથી આગામી તા. ૨૩ ફેબ્રુઆરીના રોજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોએ SMSથી ખરીદી માટેની અગાઉથી જાણ કરવામાં આવશે અને SMS મળ્યેથી ફાળવેલ ખરીદ કેંદ્ર ખાતે ખેડૂતોએ જથ્થા સાથે ઉપસ્થિત રહી આ યોજનાનો લાભ મેળવવા કૃષિ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.

કૃષિ મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા તુવેર પાકની નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકારે તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે.

fashion

સંબંધિત સમાચાર

travel