રાજપીપલા: ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં માહે ડિસેમ્બર- ૨૦૨૫ અંતિત અનુસુચિત જાતિ પેટા યોજના, એટ્રોસિટી એક્ટ અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિ તેમજ ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ એક્ટ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ-૨૦૧૩ અન્વયેની ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૫ ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.
ગતરોજ યોજાયેલ બેઠક દરમિયાન ઓક્ટોબર થી ડિસેમ્બર-૨૦૨૫ અંતિત ત્રિમાસિક સમયગાળામાં થયેલ કામકાજ અને પડતર પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સમિતિ સમક્ષ રજૂ થયેલા તમામ પડતર કેસો, પ્રાપ્ત થયેલ ફરિયાદો તેમજ સરકારી યોજનાઓના લાભ અંગે પ્રાપ્ત અરજીઓની અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોને સૂચના આપતા જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ સમયસર અને પારદર્શિતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે તેમજ તમામ કચેરીઓને ૧૦૦% ખર્ચ કરવા સૂચના આપવામાં આવી. એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા કેસોમાં યોગ્ય કાર્યવાહી તથા ઝડપી નિકાલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય. એસ. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી. આર. પટેલ, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ નર્મદા શ્રી વી.વી.વસાવા સહિત
સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.