રાજ્યભરમાં અત્યારે લાખો બાળકો ઉત્સાહ સાથે નવા સત્રની શરૂઆત કરી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાની વેરાવળ-૧૨ આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ પ્રવેશોત્સવમાં સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રો હવે માત્ર પોષણ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પૂરતા મર્યાદિત ન રહેતા, બાળકોના સર્વાંગી અને શારીરિક વિકાસ માટે પણ એક નવું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. "આંગણવાડી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવ" અંતર્ગત રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ-૧૨ આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાંઓએ યોગની અદભુત કૃતિ રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતા.
આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના નાના બાળકો ખૂબ જ સરળતાથી અને આત્મવિશ્વાસપૂર્વક સૂર્યનમસ્કાર તેમજ અન્ય યોગાસનો કરતા જોવા મળ્યા હતા. આ સફળતા પાછળ આંગણવાડી કાર્યકર બહેનની રાત-દિવસની મહેનત અને વિભાગની આયોજનબદ્ધ કામગીરી જવાબદાર છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરના આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકો તંદુરસ્ત, સ્ફૂર્તિલા બને, તેમની ઊંચાઈ તેમજ શારીરિક ક્ષમતામાં વધારો થાય તેવા આશયથી એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ નવી ઝૂંબેશ અંતર્ગત આંગણવાડીના દૈનિક સમયપત્રકની શરૂઆતમાં જ પ્રથમ ૧૫ થી ૨૦ મિનિટ બાળકોને ફરજિયાત યોગાભ્યાસ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનને સફળ બનાવવા માટે વિભાગ દ્વારા તમામ આંગણવાડી કાર્યકર બહેનોને સેટકોમ (SATCOM) ના માધ્યમથી ઓનલાઈન તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો સદુપયોગ કરીને વેરાવળ-૧૨ આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેને બાળકોને રમત-ગમત સાથે નિયમિત યોગ કરાવવાનું શરૂ કર્યું. જેના પરિણામે આજે આ નાની ઉંમરના બાળકો કોઈપણ ક્ષતિ વિના સૂર્યનમસ્કારના તમામ સ્ટેપ્સ ખુબ જ સરળતાથી કરવા સક્ષમ બન્યા છે.