મુખ્ય સામગ્રી પર જાઓ

રાજપીપળા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત RSETI સંસ્થામાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતિ અને ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાન અંતર્ગત, બેંક ઓફ બરોડા દ્વારા "એકજુટ પ્રયાસ, પ્રભાવી બદલાવ" થીમ અન્વયે પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી રાજપીપળા ખાતે આવેલી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (RSETI) ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજપીપળા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત RSETI સંસ્થામાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતિ અને ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાન અંતર્ગત, બેંક ઓફ બરોડા દ્વારા "એકજુટ પ્રયાસ, પ્રભાવી બદલાવ" થીમ અન્વયે પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી રાજપીપળા ખાતે આવેલી બરોડા સ્વરોજગાર વિકાસ યોજના RSETI સંસ્થામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્ય અતિથિ સુશ્રી પરસનજીત કૌરે પોતાના વક્તવ્યમાં પર્યાવરણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, “માનવી ખોરાક વિના ૬૦ દિવસ જીવી શકે છે, પરંતુ ઓક્સિજન વિના તે માત્ર ૩ મિનિટ જ જીવી શકે છે.” આ સચોટ ઉદાહરણ દ્વારા તેમણે વર્તમાન પરિસ્થિતિમાં વૃક્ષારોપણની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે ઉપસ્થિત લોકોને માત્ર વૃક્ષો વાવવાની જ નહીં, પરંતુ વૃક્ષો ખરા અર્થમાં પર્યાવરણને ઉપયોગી બની શકે તે માટે વાવેલા વૃક્ષોની ઓછામાં ઓછા ૨ વર્ષ સુધી માવજત કરવાની પણ અપીલ કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઝોનલ હેડ શ્રી વિનય કુમાર રાઠીએ ગાંધીજીના સ્વચ્છતાના આદર્શોને યાદ કરતા કહ્યું કે, “ગાંધીજીના ૧૫૭ વર્ષ પછી પણ આપણે તેમના સ્વચ્છતાના મંત્રને લઈને આગળ વધી રહ્યા છીએ. જો આપણે કચરો ગમે ત્યાં ફેંકવાની આદત છોડી દઈશું, તો ભવિષ્યમાં આવી સ્વચ્છતા ડ્રાઈવ ચલાવવાની જરૂર જ નહીં પડે.” વધુમાં તેમણે આગામી સમયમાં બેંક ઓફ બરોડા વતી રાજપીપળામાં વેસ્ટ મેનેજમેન્ટની પ્રક્રિયામાં જોડાવા માટે સંપૂર્ણ તૈયારી અને કટિબદ્ધતા પણ દર્શાવી હતી.

સ્વચ્છતાહી સેવા અંતર્ગત ગાંધીજીના ૧૫૭માં જન્મદિવસ નિમિત્તે ૧૫૭ વૃક્ષારોપણ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા RSETI ના નિર્માણાધિન કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો સ્વચ્છતા જાળવવા, વૃક્ષારોપણ કરવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.

આ ઉપરાંત, RSETI અંતર્ગત તાલીમ લઈને સ્વરોજગાર મેળવવાની દિશામાં આગળ વધી રહેલા તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નાંદોદના પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, બેંક ઓફ બરોડા-બરોડા ઝોનના જનરલ મેનેજર અને ઝોનલ હેડ શ્રી વિનય કુમાર રાઠી, બરોડા ડિસ્ટ્રિક્ટ રીજિયનના AGM અને રીજનલ હેડ શ્રી સુરેન્દ્ર શર્મા, બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓ, RSETI ના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: વૃક્ષારોપણ રાજપીપળા જન્મજયંતિ સ્વચ્છતા હી સેવા મહાત્મા ગાંધીજી

સંબંધિત સમાચાર